- રાજ્યમાં લોકડાઉન બાદ છેતરપિંડીના બનાવોમાં વધારો
- રાજ્યના ડીજીપીનો એનઆરઆઈએ કર્યો સંપર્ક
- સમગ્ર મામલો સામે આવતા CIDને તપાસ સોંપી
વડોદરા: વૈશ્વિક કોરોના મહામારીને ડામવા માટે ગુજરાત રાજ્યમાં પણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. જોકે લોકડાઉન પછી છેતરપિંડીના બનાવો વધવા માંડ્યા છે. શહેરમાં પણ એક NRI સાથે એકના ડબલની સ્કીમમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો બનાવ બન્યો છે. જેની ફરિયાદ નોંધાવતા ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે તલસ્પર્શી તપાસ હાથધરી છે.
![અમેરિકામાં રહેતા વડોદરાના NRI સાથે થઈ કરોડોની છેતરપિંડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-02-vadodara-america-ma-raheta-nri-sathe-vadodara-ma-chetarpindi-photostory-gjc1004_31122020192305_3112f_1609422785_423.jpeg)
ઓમ સાંઈ રોયલ્ટી બિઝનેસના ભાગીદારોએ કરી કરોડોની છેતરપિંડી
ઓમ સાંઈ રોયલ્ટી નામના ચાલતા બિઝનેસના ભાગીદારોએ મૂંગેરી લાલના મોટા મોટા સપના બતાવી અમેરિકામાં રહેતા વડોદરા શહેરના પ્રજ્ઞેશ દેસાઈ પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનું પોલીસને જણાવ્યું છે. જયારે લાગ્યું કે પોતાની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે ઈન્વેસ્ટ કરેલા કરોડો રૂપિયા પરત માંગ્યા જોકે ભેજા બાજોના સકંજામાં હોમાયેલા એનઆરઆઈ પ્રજ્ઞેશ દેસાઈ ભાગીદારો સામે લાચાર બન્યા હતા.
પ્રજ્ઞેશએ 26 પાનાની સ્યુસાઈડ નોટ લખી કરી હતી મરવાની તૈયારી
વારંવાર ભાગીદારો પાસે કરોડો રૂપિયા પરત આપવાની માંગણી કરતા ભાગીદારોએ એનઆરઆઈ પ્રજ્ઞેશ દેસાઈને રૂપિયા પાછા નહીં મળે અને માંગ્યા તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી કરીને લાચાર બનેલા એનઆરઆઈ પ્રજ્ઞેશ દેસાઈએ 26 પેજની સ્યુસાઈડ નોટ લખીને મરવાની તૈયારી પણ કરી લીધી હતી. જો કે અંતે મોતને વ્હાલું કરવા જઈ રહેલા એનઆરઆઈ પ્રજ્ઞેશ દેસાઈ ને એકાએક સદ્બુદ્ધિ આવતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
હાલ આ મુદ્દો પીએમઓ સુધી પહોંચ્યો
હાલ આ કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર એન.આર.આઇ પરિવારને દેશમાં પરત બોલાવી અને દેશમાં જ રોકાણ કરવા પ્રયત્ન કરી રહી છે. તો બીજી તરફ આવા ભેજાબાજો પોતાની બુદ્ધિ વાપરીને સતત ગુનાખોરી કરી રહ્યા છે. હાલ પ્રજ્ઞેશ દેસાઈએ રાજ્યના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ ડીજીપીનો પણ સંપર્ક કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હવે આ તમામ ગૂંચવાડો પીએમઓ સુધી પણ પહોંચ્યો છે.