વડોદરા: દિન પ્રતિદિન શહેરમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુન્હાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં ક્યાંક કોઈને બિલ્ડર તો ક્યાંક સાયબર તો ક્યાંક વ્યાજખોરનો ભોગ બની છેતરતા હોય છે. પરંતુ હવે તબીબ સામે પણ છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે. શહેરમાં એક તબીબ પાસે ઘૂંટણની સારવાર કરાવ્યા બાદ કોઇ રાહત ન થતાં 66 વર્ષીય વકીલે યુનાની ડૉ. સિદ્દિકી વિરુદ્ધ જે.પી. રોડ પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
ઘૂંટણની સારવાર ભારે પડી: વડોદરામાં અક્ષરચોક પાસે આવેલા શ્રી રામીન પાર્ક સોસાયટીમાં રહેતા વકીલ નિરંજનકુમાર ચિમનલાલ સોની (ઉ.66)એ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, 04/01/2021ના રોજ હું મારી પત્ની ગીતા સાથે અલકાપુરી ગોવર્ધન હવેલી ખાતે દર્શન કરવા માટે ગયો હતો અને દર્શન કરીને ઘરે પરત આવવા માટે મારી પાર્કિંગમાં મુકેલ ગાડી પાસે આવતા મારી પત્નીને ઘૂંટણની તકલીફ થવાથી ચાલવામાં તકલીફ થતાં ડૉ. સિદ્દીકી અને તેમના આસિસ્ટન્ટનો સંપર્ક કર્યો હતો.
3.51 લાખનો ખર્ચ નક્કી થયો: ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બીજા દિવસે અમારા ઘરે આવીને તેમણે મારી પત્નીની પ્રયોગીક ધોરણે સારવાર કરીને પગમાં પંક્ચર કરી લોહીનો બગાડ કાઢ્યો હતો. જેના માટે 3,56,000 રૂપિયાની માંગણી કરી હતી અને તેમાં ડિસ્કાઉન્ટ કરીને મને મારી પત્નીની સારવારના 3,51,000 રૂપિયાનો ખર્ચ જણાવ્યું હતો. જેમાંથી મેં રૂપિયા 5000 રોકડા આપ્યા હતા અને રૂપિયા 3,46,000નો ચેક યુનાની ડૉ. સિદ્દિકીના આસિસ્ટન્ટના કહેવાથી આલોક નામની વ્યક્તિના નામ ઉપર લખી આપ્યો હતો.
મેડિકલ ડોક્યુમેન્ટ આપવાની ખાત્રી: 6 નવેમ્બર-2021ના રોજ યુનાની ડૉ. સીદ્દીકીએ મને ફોન કરીને પુછ્યું હતું કે, તમારી પત્નીની તબિયત કેવી છે? ત્યારબાદ 9 નવેમ્બર-2021ના રોજ મેં ડૉ. સિદ્દિકીને ફોન કરીને જણાવ્યું હતું કે, મારી પત્નીની તબીયત સારી થઈ નથી. 16 નવેમ્બર-2021ના રોજ યુનાની ડૉ. સિદ્દિકીને ફોન ઉપર કૉલ કરતા તેઓએ મને લેબ રિપોર્ટ તેમજ મેડીકલેમના તમામ જરૂરી ડોક્યુમેન્ટ પૂરા પાડવાની ખાત્રી આપી હતી અને અમારા ઘરે આવવાનો ખોટો વાયદો કર્યો હતો. જો કે, ત્યારબાદ યુનાની ડૉ. સિદ્દિકીને અવાર-નવાર ફોન કરવા છતાં તેઓનો મોબાઇલ નંબર સતત સ્વીચ ઑફ આવતો હતો.
પોલીસ મથકમાં ફરિયાદ: જેને લીધે મેં તેમના એજન્ટ નીતીન અગ્રવાલને ફોન કરીને ડૉ. સિદ્દિકી વિશે પૂછપરછ કરતાં તેમણે મને જણાવ્યું હતું કે, તેઓ હાલ બહાર હશે એટલે તમારો ફોન ઉપાડતા નથી. એ પછી નીતીનભાઈનો પણ ફોન પણ લાગતો નહતો. ડૉ. સિદ્દિકીએ મારી પત્નીની સારવાર કરીને 40 વર્ષ સુધીની ગેરેન્ટી આપી હતી, પરંતુ, તેઓની સારવાર દરમિયાનન અમારી પત્નીને કોઇ જ રાહત ન થઇ હોવાથી મેં જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
હાલમાં તપાસ ચાલુ છે: આ અંગે જે. પી. પોલીસ મથકના પીએસઆઈ આર. સી. શર્માએ જણાવ્યું હતું કે હાલમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ ખબર પડશે કે સાચું શુ છે.