ઈદનું પર્વ એટલે મુસ્લિમ સમાજ માટે ખુદાની બંદગી અને કુટુંબ કબીલા સાથે આનંદ ઉત્સવ મનાવવાનો પ્રસંગ હોય છે.પરંતુ માંજલપુર પોલીસ મથકના પોલીસ અધિકારી ઝેડ.એમ.સિંધીએ ખુદાની સાવ નોખી અનોખી બંદગી કરીને ઈદની ઉજવણી કરી હતી અને માનવતાસભર ફરજ પરસ્તીની મિશાલ કાયમ કરી છે.વડોદરા શહેરમાં વરસાદી પાણી બાદ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને બહાર કાઢવા માટે વડોદરા પોલીસની અહેમ ભૂમિકા રહી છે.શહેરમાં જળ ભરાવ હેઠળની કાંસા ગ્રીન રેસિડેન્સીમાંથી 2 વર્ષના માસુમ બાળક બીમાર હોવાથી તાત્કાલિક દવાખાને લઈ જવું જરૂરી હોવાનો સંદેશ શહેર પોલીસ નિયંત્રણ કક્ષને મળ્યો હતો.તેના અનુસંધાને માંજલપુર પોલીસ મથકને આ સંકટગ્રસ્ત બાળકને ઉગારવાની સૂચના આપવામાં આવી હતી.
ઈદના પવિત્ર પર્વે આ ફરજને ખુદાની બંદગીનો અવસર ગણીને તેમણે NDRF ની ટીમ અને સાથી જવાનો સાથે બોટની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.અને તે દરમિયાન માંદા બાળકની સાથે 6 વ્યક્તિઓ અને પીંજરવાસી મૂંગા પક્ષીઓની જોડીને ભરાયેલા પાણી વચ્ચેના ઘરમાંથી બહાર કાઢીને બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારી સિંધીએ જણાવ્યું હતું કે, માંદા બાળકને તાત્કાલિક દાક્તરી સારવાર મળે એ જરૂરી હતી અને NDRF ટીમ તથા સાથી પોલીસ જવાનોની મદદથી એ બાળકને ઉગાર્યાનો મને ખુબ આનંદ છે.મને લાગે છે કે આ રીતે પવિત્ર પર્વે મને ખુદાની બંદગી કરવાનો એક અદભુત અવસર મળ્યો છે. આ વર્ષની અતિવૃષ્ટિ અસાધારણ હતી.શહેર પોલીસ તંત્રએ સંકટની અભૂતપૂર્વ ઘડીઓમાં લોકોના જીવ બચાવવાનું ખૂબ જ સાહસ અને હિમતભર્યું કામ સતત કર્યું છે. સાથે જ લોકોને ફૂડ પેકેટ્સ અને પાણી,દૂધની કોથળીઓ પુરી પાડી એક નોખી છાપ પાડી છે.
આ કુદરતી આપદામાં પોલીસ પ્રજાનો રક્ષક એ સૂત્ર સાર્થક કરવાની સાથે શહેર પોલીસ પ્રશાસનનો એક માનવીય ચહેરો થયો છે. જોકે શહેર પોલીસ કમિશ્નર અનુપમ સિંહજી ગહલોતના નેતૃત્વ હેઠળ ટીમ વડોદરા પોલીસે માનવીય પોલીસ કાર્યનો એક અનોખો અધ્યાય કંડાર્યો છે.