વડોદરા: ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે સાવલીની મુલાકાત લીધી હતી અને કોવિડના સંદર્ભમાં સાવલી અને ડેસર તાલુકાઓમાં આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રની સુસજ્જતાની સમીક્ષા કરી હતી. આ સાથે કે.જે.આઇ.ટી. કેમ્પસમાં સૂચિત કોરોના કેર સેન્ટરના સંદર્ભમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન તેમને સાવલી નગરપાલિકા અને મંજુસર GIDCમાં આર.ટી. પી.સી.આર ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા અને 15 સેમ્પલ લેવામાં આવ્યા છે એવી જાણકારી આપવામાં આવી હતી. ડો.રાવે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે પરિસ્થિતને લઇને સંવાદ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી પણ તેમની સાથે હાજર હતા.
તેમણે સાવલી અને ડેસર તાલુકાને હાર્દમાં રાખીને સૂસજ્જતા અંગે પ્રાંત અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, બ્લોક હેલ્થ ઓફિસર સાથે સંવાદ કર્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે 100 દર્દીઓને રાખી શકાય તે પ્રકારનું સૂચિત કોરોના કેર સેન્ટર સાવલીના કે.જે.આઇ.ટી. કેમ્પસ સ્થિત આયુર્વેદિક હોસ્પિટલમાં રાખવાના સંદર્ભમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી. આ કેમ્પસમાં એલોપેથીક અને આયુષ તબીબો,ઓકિસજન અને દર્દી વાહિની જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.