વડોદરા SOGએ ધોરણ 10 અને 12ની ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કરી એક ઠગને ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં આ સમગ્ર કૌંભાડ ચાલતું હતું. ધોરણ 10 અને 12ની પરીક્ષા આપ્યા વગર મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડની બોગસ માર્કશીટ તથા સર્ટીફિકેટ અપાતી હોવાની બાતમી SOGને મળી હતી.
બાતમીના આધારે પોલીસે છાપો મારી સોફ્ટવેરની મદદથી કલર પ્રિન્ટરમાં પ્રિન્ટ અને લેમિનેશન કરીને બોગસ માર્કશીટ બનાવી લોકોને ઠગતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 10 માર્કશીટ, મોબાઈલ ,કોમ્પ્યુટર, સ્કેનર, લેમિનેશન મશીન ,ઇલેક્ટ્રોનિક સાધન સામગ્રી મળી કુલ રૂપિયા 51,200નો મુદ્દામાલ કબજે કરાયો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યુ હતું કે, માર્કશીટના બદલમાં તે ૮૫ હજારથી વધુની રકમ વસુલતો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.