વડોદરા: ડભોઇ પોલીસ દ્વારા ગુજરાત સરકારની ગાઈડલાઈનનું લોકો દ્વારા પાલન થાય તે માટે ત્રણ સવારી, માસ્ક વિના, તેમજ હેલ્મેટ વિના બાઇક અને સીટબેલ્ટ વિના કાર ચલાવતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી માટે આદેશ આપાયા છે. ત્યારે ડભોઇ ખાતે વડોદરા જિલ્લા પોલીસ વડા ડૉ.સુધીર દેસાઈ, ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકી, પી.આઈ.જે.એમ.વાઘેલાની સૂચના અનુસાર ટ્રાફિક વિભાગના હેડ કોન્સ્ટેબલ રોશનભાઈ રાઠવા, અને નાગજીભાઈ ભરવાડ, અને પોલીસ જવાનોની ટીમ દ્વારા ટિંબી ફાટક, વેગા ત્રિભેટ, નાંદોડી ભાગોળ, શિનોર ચોકડી, થરવાસા ચોકડી, ભીલાપુર, કાયાવરોહણ, ચનવડા સહિતના વિસ્તારોમાં ટ્રાફિકના નિયમો અને સરકારના ગાઈડ લાઇનનો ભંગ કરતાં તત્વો સામે લાલ આંખ કરી છે.
આ ઉપરાંત ત્રણ સવારી બાઇક ચલાવતા, માસ્ક ન પહેરતા અને હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ ન લગાવતા ઇસમો સામે ગુનો નોંધીને દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. લોકડાઉનથી અત્યાર સુધીમાં ડભોઇ પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરતાં ઇસમો સામે દંડની કાર્યવાહી કરી રૂ.5,00,000 લાખ રૂપિયા ઉપરાંતના દંડની વસૂલાત કરી છે. લોકોમાં જાગૃતતા આવે અને ટ્રાફિકના નિયમો અને સરકારની ગાઈડ લાઇનનું ઉલ્લંઘન ના કરે તે માટે પોલીસ લોકોને સૂચના પણ આપી રહી છે.