વડોદરા : સમગ્ર રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને પગલે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના 6 જિલ્લામાં અલર્ટ આપવામા આવ્યું છે. આ અંગે વડોદરા શહેર જિલ્લામાં પણ કલેકટર દ્વારા બેઠક યોજાઇ હતી. હાલમાં બિપરજોયને લઈ વહીવટી તંત્ર અલર્ટ છે અને વડોદરા શહેર કે જિલ્લામાં કોઈ પણ સ્થિતિ વણસે તેવી સંભાવનાઓ નથી તેવું કલેકટરે જણાવ્યું હતું. શહેરમાં 40 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાશે
બિપરજોય વાવાઝોડાના પગલે વડોદરા શહેર જિલ્લાના નાગરિકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વડોદરા જિલ્લા માટે હવામાન વિભાગ અને રાહત કમિશ્નર કચેરીએથી મળેલ સૂચનાઓ મુજબ 40 કિલોમીટરની ગતિથી પવન પસાર થશે જે નોર્મલ છે. આગામી તારીખ 15 અને 16 તારીખે હળવા વરસાદી ઝાપટા અને પવન ફૂંકાશે...એ. બી. ગોર(વડોદરા જિલ્લા કલેકટર)
વહીવટી તંત્ર અલર્ટ, કંટ્રોલરૂમ કાર્યરત : આ દરમ્યાન કોઈ પણ ઝાડ કે અન્ય સમસ્યા ઉદ્દભવશે તો વન વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. જેથી કોઈ પણ વૃક્ષને સરળતાથી હટાવી શકાય અને ટ્રાફિક સમસ્યા ન ઉદભવે. સાથે તાલુકા અને જિલ્લા કન્ટ્રોલ રૂમ કાર્યરત છે, સમગ્ર વહીવટી તંત્ર અલર્ટ મોડ પર છે. જેથી વડોદરા જિલ્લા માટે કોઈ ચિંતાનો વિષય નથી.
ઝાડ નબળું હોય તો ત્યાંથી દૂર રહેવું :નાગરિકોને કલેક્ટરે અપીલ કરી છે કે નાગરિકો કોઈ કારણોસર ઘરની બહાર નીકળ્યા હોય અને પવનના કારણે કોઈ ઝાડ નબળું હોય તો ત્યાંથી દૂર રહેવું જોઈએ જેથી કોઈ અકસ્માતથી બચી શકાય. સાથે વહીવટી તંત્ર અલર્ટ છે અને તાલુકા જિલ્લા કંટ્રોલરૂમ કાર્યરત છે જેથી કોઈ પણ નાગરિકને મુશ્કેલી ન સર્જાય.
રાજ્યમાં વાવાઝોડાની પરિસ્થિતિને પગલે અમારી ફાયર બ્રિગેડની ટીમોને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. અમને આદેશ મળતા જ અમારી ટીમો રવાના કરવામાં આવશે. વડોદરા ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓ અને અધિકારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમારી ટીમો સજ્જ છે...પાર્થ બ્રહ્મભટ્ટ(વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર)
હોર્ડિંગ્સ ઉતારાયા, વૃક્ષોનું ટ્રીમિંગ કરાયું : બિપરજોય વાવાઝોડાની સ્થિતિને જોતા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ જાનહાનિ કે નુકસાન ન થાય તે માટે શહેરમાં હોર્ડિંગ્સ ઉતારી લેવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. તે સાથે 548 જેટલા વૃક્ષોનું ટ્રીમીગ કરી દેવામાં આવ્યું છે. જિલ્લા વહિવટી વિભાગ, શહેર અને જિલ્લા પોલીસ તંત્ર, મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠક કરવામાં આવી છે. આમ બિપરજોય વાવાઝોડાને લઈ વીએમસી તંત્ર સજ્જ થઇ ગયું છે. સાથે વડોદરા ફાયર બ્રિગેડને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યું છે અને વડોદરા ફાયર બ્રિગેડને આદેશ મળતા જ ટીમો બચાવ કામગીરી માટે પહોંચી જશે તેવું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.