- સીએમ રૂપાણીએ સરદાર ધામ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો
- રૂપિયા 100 કરોડના ખર્ચે તૈયાર થશે સરદાર ધામ પ્રોજેક્ટ
- સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા લેવા આહ્વાન
વડોદરા: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા નજીક અંખોલ ગામે રૂપિયા 100 કરોડના ખર્ચે નિર્માણ થનારા મિશન-2026 હેઠળ આયોજિત સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. સરદાર ધામ પબ્લિક ટ્રસ્ટ આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઓનલાઈન જોડાયા હતાં.
સમાજ ઘડતરની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે
રૂપિયા 100 કરોડના ખર્ચે નિર્માણ થનારા આ પ્રોજેક્ટમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષલક્ષી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેનારા સરદાર ભવનનો સમાવેશ થાય છે. સંસ્થા દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષાઓની નિઃશુલ્ક તાલીમ, શિક્ષણ માટે વગર વ્યાજની લોન, વ્યાપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ગ્લોબલ પાટીદાર સમિટના આયોજન સહિત સમાજ ઘડતરની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
જમીનનું દાન આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું
આ પ્રસંગે મુખ્યપ્રધાનના હસ્તે સંસ્થા તરફથી સરદાર ધામ માટે જમીનનું દાન આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, કોવિડ કટોકટી અને લોકડાઉન પછી આ મારો પ્રથમ જાહેર કાર્યક્રમ છે. કાર્યક્રમમાં કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સીએમ રૂપાણીએ સંસ્થાને ધન્યવાદ આપ્યાં હતા. સાથે જ સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા લઈ એક રાષ્ટ્ર-શ્રેષ્ઠ રાષ્ટ્રના સૂત્રને અનુસરીને સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના ઉમદા ધ્યેય સાથે કામ કરવા આહ્વાન કર્યું હતું.