- કોરોનાની ચેઈન તોડવા તંત્રએ આ સ્ટ્રેટેજી અપનાવી
- ફલાઇંગ સ્કવોર્ડ દ્વારા પોલીસની મદદથી ઠેર-ઠેર ચેકિંગ
- પાણીગેટ શાકમાર્કેટ પણ બંધ કરાવ્યું
વડોદરા : શહેરમાં 45 દિવસ બાદ અમદાવાદવાળી પરિસ્થિતિ ના સર્જાય તે માટે કોરોનાની સાયકલ તોડવા તંત્ર દ્વારા ભીડ ભાડ થતા જાહેર સ્થળો બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગ રૂપે પાલિકાની ટીમ દ્વારા પાણીગેટ શાકમાર્કેટ બંધ કરાવવામાં આવી હતી. તેમજ આગામી ત્રણ દિવસ સુધી શાકમાર્કેટ બંધ રાખવામાં આવશે તેવી નોટિસ ચોંટાડી હતી. જેને લઈ શાકભાજી ખરીદ કરવા આવેલા ગ્રાહકો અટવાય ગયા હતા.
કડક બજાર, ગોત્રી, તરસાલી સહિત 8 શાકમાર્કેટ બંધ કરાયા
જોઈન્ટ એફોર્સમેન્ટ ટીમ અને ફલાઇંગ સ્કવોર્ડ દ્વારા પોલીસની મદદથી ઠેર-ઠેર ચેકિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં કિશનવાડી ખાતેના ગધેડા શાકમાર્કેટમાં 175 થી વધુ શાકભાજીની લારીઓ આવેલી હોવાથી સોશ્યિલ ડિસ્ટન્સ નહીં જળવાતા બજાર બંધ કરવામાં આવ્યું હતુ. આ જ રીતે ગોત્રી ગામ પાસે આવેલ 100 થી વધુ લારીઓ - પથારા ધરાવતુ શાકમાર્કેટ, તરસાલી ત્રણ રસ્તે આવેલુ શાકમાર્કેટ, સોમા તલાવ ખાતે, વાઘોડિયા રોડ પરિવાર ચોકડી પાસેનું શાકમાર્કેટ, ગુરુકૂલ ચાર રસ્તા પાસેનુ શાકમાર્કેટ, સ્વાતિ શાકમાર્કેટ, કડક બજાર શાકમાર્કેટ અને ગ્લોસરી માર્કેટમાં પણ સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક વિના લોકો બિન્ધાસ્ત ફરતા જોવા મળતા આ શાકમાર્કેટ પણ સોમવાર સુધી ત્રણ દિવસ બંધ કરવામાં આવ્યા હતા. શહેરમાં છૂટા છવાયા 33 જેટલા નાના મોટા શાકમાર્કેટ છે. જ્યાં કોવિડ -19ની ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરવા દબાણ શાખાના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલે સૂચનાઓ આપી છે. તેમ છતાં જો ભંગ થશે તો ત્યાં પણ સપાટો બોલાવાશે.