- શહેરમાં ફ્લાઈંગ સ્કવોર્ડનો સપાટો
- અતિભરચક એવા મંગળબજારમાં ત્રાટકી ટીમ
- કોવિડ નિયમોના ભંગ બદલ કરી 5 હજારના દંડની વસુલાત
વડોદરા : મહાનગર પાલિકાના વોર્ડ નંબર 1 ના વોર્ડ ઓફિસરની આગેવાનીમાં હોટ સ્પોટ વિસ્તાર મંગળ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વોર્ડ સ્કોડ દ્વારા નિયમોનું પાલન ન કરતાં વ્યક્તિ પાસેથી કુલ 5000/- રૂપિયાના દંડની વસૂલી કરી હતી. વોર્ડ ઓફિસરના જણાવ્યા મુજબ આ કાર્યવાહી સતત ચાલુ રહેશે અને જરૂર જણાશે તો દુકાનોને સીલ પણ કરવામાં આવશે.
વોર્ડ દિઠ 2 સ્કોડ- કુલ 120 ફ્લાઈંગ સ્કોડ સાથે મેગા સ્કોડની રચના
શહેરમાં કોરોનાના વધતા વ્યાપને લઈ કલેકટર કચેરીના ધારાસભા ખંડમાં વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી ડૉ.વિનોદ રાવની અધ્યક્ષતામાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં જિલ્લા કલેકટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ.પી, શહેર પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નિયમોનું ઉલ્લંઘન કરતાં એકમોને સીલ કરવાની કાર્યવાહી
આ બેઠકના અંતે વડોદરા શહેરમાં ચુસ્ત રીતે કોરોના સામેની સાવચેતીના તમામ નિયમોનું પાલન થાય તે માટે સ્કોડ રચી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત વોર્ડ દિઠ બે સ્કોડ તેમજ 120 ફ્લાયઇંગ સ્કોડ સાથે મેગા સ્કોડની રચના કરવામાં આવી હતી. જે સ્કોડ એક્શન મોડમાં જોવા મળી હતી. મંગળ બજાર અને ખંડેરાવ માર્કેટ જેવા હોટ સ્પોટ વિસ્તારમાં પાલિકાના જુદા જુદા સ્કોડ દ્વારા દબાણ શાખા તેમજ પોલીસને સાથે રાખી દંડાત્મક તેમજ નિયમોનું ઉલ્લંઘન કરતાં એકમોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.