વડોદરા: જિલ્લાના ડભોઈ ખાતે મહુડી ભાગોળ પાસે સુંદરકૂવા પ્રાથમિક શાળા આવેલી છે. જેને 2001માં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલી હતી. જે શાળામાં ફાઇબર રૂમની છત ધરાશાયી થઈ ગઈ હતી. પરંતુ રિસેસનો સમય હોવાના કારણે વિદ્યાર્થીઓ રૂમની બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ સમગ્ર ઘટના બનતા વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
શિક્ષકોમાં ગભરાટ: સુંદરકૂવા પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશ વસાવાએ ઘટના અંગે જણાવ્યું હતું કે, સ્કૂલમાં ધોરણ 1થી 5 નાં વર્ગો છે. સ્કૂલમાં જર્જરીત થઈ ગયેલા રૂમો છે અને સરકાર દ્વારા બનાવી આપવામાં આવેલા ફાઇબરના રૂમો પણ છે. સ્કૂલમાં જુના જર્જરીત રૂમો તેમજ ફાઇબરના રૂમોમાં વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. નવા રૂમો બનાવવા માટે કાર્યવાહી ચાલી રહી છે. ફાઇબરના રૂમની છત પડતા હવે તે રૂમ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ફાઇબરની રૂમમાં ધોરણ- 5 ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા. રૂમની છત પડી ત્યારે ૨૦ જેટલા વિદ્યાર્થીઓ રિસેસમાં હોવાથી રૂમમાં કોઇ હાજર ન હતું.
આ પણ વાંચો Vadodara land scam: જમીન કૌભાંડમાં હવે છૂટશે અધિકારીઓનો પસીનો, ક્રાઈમબ્રાન્ચ મેદાને
બેદરકારી બહાર આવી: 2001માં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ ખાનગી કંપની દ્વારા ફાઇબરના રૂમો બનાવી આપવામાં આવ્યા હતા. આવાં ફાઇબરના રૂમોમાં પણ જિલ્લાની અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. સ્કૂલના રૂમો જર્જરીત હોવાથી સ્કૂલના સંચાલકો માટે વિદ્યાર્થીઓને ફાઇબરના રૂમોમાં બેસાડીને અભ્યાસ કરાવવા સિવાય બીજો કોઇ વિકલ્પ હોતો નથી. જેથી વિદ્યાર્થીઓને જીવના જોખમે આ ઓરડામાં અભ્યાસ અર્થે બેસાડવામાં આવે છે.
ખુલાસો માંગવામાં આવશે: વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન પટેલે (વકીલ) જણાવ્યું હતું કે, સુંદરકૂવાની સ્કૂલમાં ફાઇબરની છત પડવાની બનેલી ઘટના ગંભીર છે. આવી દુર્ઘટનાઓ ન સર્જાય તે માટે વડોદરા જિલ્લાની પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ-2015માં એક ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાની જે કોઈ પ્રાથમિક શાળામાં ફાઇબરના રૂમ હોય તે રૂમોનો ઉપયોગ કરવો નહીં. એટલે કે વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાસ કરાવવો નહીં. સુંદરકૂવા પ્રાથમિક શાળામાં જે ઘટના બની છે, તે સ્કૂલના સંચાલકો પાસે ખુલાસો લેવામાં આવશે અને આ ઘટના બાદ પુનઃ એકવાર વડોદરા જિલ્લાની જે કોઇ પ્રાથમિક શાળામાં ફાઇબરના રૂમો હશે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટે કડક સુચના આપવામાં આવશે.
પ્રાથમિક શાળાઓ: મળતી માહિતી મુજબ સર્વ શિક્ષા અભિયાનમાં વડોદરા જિલ્લામાં 1052 પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓ પૈકી 400 જેટલી શાળાઓમાં રાજ્યના શિક્ષણ વિભાગની સૂચના અનુસાર સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ અંતર્ગત ખાનગી કંપની દ્વારા ફાઇબરના રૂમો બનાવવામાં આવ્યા હતા. જોકે, ફાઇબરના રૂમો બંધ કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 2015માં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ છતાં, ડભોઇ સ્થિત સુંદરકૂવા પ્રાથમિક શાળામાં ફાઇબરના રૂમની છત પડવાની બનેલી ઘટના અંગે તપાસ કરવામાં આવશે.
અભ્યાસ કરતાં બાળકો: વડોદરા જિલ્લામાં ડભોઇની સુંદરકૂઇ પ્રાથમિક શાળા સહિત એવી અનેક શાળાઓમાં વર્ષો જુની સ્કૂલોના હયાત રૂમો જર્જરીત થઇ ગયા છે. અને જર્જરીત રૂમોમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે ઘટના બને છે ત્યારે તંત્રનો એક જ જવાબ હોય છે કે, નવિન રૂમો બનાવવા માટે મંજૂરીની રાહ જોવાઇ રહી છે. ફાઇબરના રૂમો બંધ કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ-2015માં ઠરાવ કરી આચાર્યોને સૂચના આપી દેવામાં આવી હતી. પરંતુ, કેટલી સ્કૂલોના આચાર્યોએ તેનો અમલ કર્યો તે અંગે સમિતિ દ્વારા કોઈ મોનીટરીંગ કરવામાં આવ્યું ન હતું. સુંદરકૂવા પ્રાથમિક શાળામાં ફાઇબરના રૂમની છત પડતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન પટેલ (વકીલે) પુનઃ કડક સૂચના આપવાની વાત દોહરાવી હતી.