વડોદરાઃ સંસ્કારીનગરી તરીકે ઓળખાતા વડોદરામાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે. ત્યારે આ વખતે તો અહીં હદ જ થઈ ગઈ. કારણ કે, અહીં સગીર વયના બાળકે ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના હરણી વિસ્તારમાં આવેલા નક્ષત્ર પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ હતો. તે દરમિયાન નવવધુને આપેલી ભેટ સોગાદના રોકડ રૂપિયા 1.50 લાખ રૂપિયાના કવર સાથેની થેલી સગીર વયનો બાળક લઈ રફૂચક્કર થઈ ગયો હતો. ત્યારે આ મામલે હરણી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Vadodara Power Theft : વીજ વાયરમાં લંગર નાખી વીજચોરી કરતા લોકો સામે આંખ લાલ
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ: શહેરના અકોટા વિસ્તારમાં આવેલી શ્રેણીક પાર્ક સોસાયટીમાં રહેતા 71 વર્ષીય મદનમોહન રામગોપાલ શર્મા, જેઓ રણોલી જીઆઈડીસીમાં એક ફેક્ટરી ધરાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, 9 ફેબ્રુઆરીએ તેમના પૌત્રના લગ્નપ્રસંગે હરણી મોટનાથ રોડ ઉપર આવેલા નક્ષત્ર પાર્ટી પ્લોટમાં અતિથિઓ દ્વારા નવવધુને આપવામાં આવેલ ભેટ સોગંદના એક થેલીમાં કવર સ્વરૂપે રાખવામાં આવી હતી. તે સમયે થેલી ગાયબ થઈ જતા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા.
પોલીસે સગીર ચોરની તપાસ શરૂ કરીઃ સીસીટીવી કેમેરામાં જોવા મળે છે કે, 10થી 12 વર્ષનો સગીર બાળક બેગ લઈને જઈ રહ્યો છે. આ બેગમાં 1.50 લાખ રૂપિયાના રોકડ કવર હતા. તેના આધારે હરણી પોલીસે અજાણ્યા સગીર વયના બાળક વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સંસ્કારી નગરીને આવી ઘટનાઓથી ક્યારે છૂટકારો: હાલમાં વડોદરા શહેરમાં છાશવારે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસ તંત્રનો જરા પણ ડર ન રહ્યો હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગના દાવાઓ પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં આ મામલે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં આ ફુટેજના આધારે હરણી પોલીસે સગીર વયના બાળકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ તપાસમાં થશે પર્દાફાશઃ જોકે, હાલમાં ચોરીના આ ગુનામાં સગીર વયના બાળકો સક્રિય થઈ ક્યાંકને ક્યાંક ચોરી કરી કાયદાથી બચવા માગતા હોય અને કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા આ વયના બાળકોનો ક્યાંક ઉપયોગ થતો હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે પોલીસ તપાસ બાદ વધુ ચોરીની ઘટનાઓનો પર્દાફાશ થઈ શકે છે.