- મનરેગા યોજના હેઠળ થશે કામગીરી
- તાલાલાના 4 ગામોના 200થી વધુ શ્રમિકોને મળશે આજીવિકા
- વધુ 21 ગામોમાં પણ ચેકડેમ તથા તળાવો ઉંડા ઉતારવાનું હાથ ધરાશે કામ
ગીર સોમનાથ: તાલાલા પંથકમાં કોરોના મહામારી તથા લોકડાઉન વચ્ચે ઉભી થયેલી આર્થિક મંદીના કારણે ગ્રામ્ય વિસ્તારના શ્રમજીવીઓની આજીવિકા ઠપ થઇ ગઇ હોય પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આ દરમ્યાન તાલાલા ગીર ખાતેની આઇ.આર.ડી. શાખા દ્વારા મનરેગા યોજના હેઠળ તાલાલા પંથકના 3 ગામોમાં તળાવ તથા ચેકડેમો તથા નાના-મોટા વોંકળા ઉંડા ઉતારવાની કામગીરી શરૂ થતા નાના ગરીબ શ્રમજીવી પરિવારોને રાહત મળી છે.
જળ સંચય યોજનાના 30 કામો કરવાની મંજુરી મળી
તાલાલા તાલુકાના પ્રામણવા ગામે તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીમાં 70, પીખોર-ગુંદાળા ગામે તળાવની કામગીરીમાં 72, સેમળીયા-જમાલપરા ગામે ચેકડેમ ઉંડો ઉતારવાની કામગીરીમાં 28, રાયડી ગામે વોંકળાની કામગીરીમાં 36 સહિત 200થી પણ વધુ શ્રમજીવીઓ દ૨રોજના રૂ. 229 લેખે આજીવીકા મેળવી રહ્યાં છે. આ ઉપરાંત ગણત્રીના દિવસોમાં તાલાલા પંથકના આંકોલવાડી ગીર, ધાવા ગીર, હડમતીયા ગીર, લુશાળા ગીર, મોરૂકા ગીર, સાંગોદ્રા ગીર, સેમરવાવ, હિરણવેલ ગીર, ચિત્રોડગીર, પીપળવા ગીર, જશાપુર ગીર, ગાભા ગીર, સહિત 21 ગામોના ગરીબ શ્રમજીવીઓને પોતાના ગામે સ્થાનીક રોજગારી મળી રહે માટે તળાવ તથા ચેકડેમો ઉંડા કરવાની જળ સંચય યોજનાના 30 કામો કરવાની મંજુરી આવતા તાલાલા પંથકના વધુ 21 ગામોમાં મનરેગા યોજના હેઠળ તળાવ તથા ચેકડેમોની કામગીરી શરૂ થશે. જેમાં અગણીત સંખ્યામાં શ્રમજીવીઓને રોજગારી પ્રાપ્ત થશે.