- રાજકોટ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો
- ભારે પવન સાથે વરસાદ શરૂ થયો
- વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક
રાજકોટ: જિલ્લામાં સતત વાતાવરણમાં પલટો નોંધાયો છે. રાજકોટના ગોંડલ તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડયો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ રાજકોટના જસદણ પંથકમાં પણ કમોસમી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. આટકોટ, ખારચિયા, જંગવડ, વિરનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો, મિની વાવાઝોડુ ફૂંકાતા ધૂળની ડમરી ઉડી
રાજકોટ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો નોંધાયો હતો. રાજકોટ શહેરમાં બપોરના અઢી વાગ્યા બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે કે સમી સાંજે 5 વાગ્યા આસપાસ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાયો હતો તો રાજકોટના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. બપોર સુધી ભયંકર તાપ જોવા મળે છે અને બપોર બાદ અચાનક વાતાવરણમા પલટો આવતા મિની વાવાઝોડુ ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આથી રાજમાર્ગો ભીંજાયા હતા. શહેરના કાલાવડ રોડ, યાજ્ઞીક રોડ, ઢેબર રોડ, માધાપર ચોક, મોરબી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.
ઉનાળુ પાક તલ, મગ, અડદ, બાજરીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ
ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.આથી લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. હાલ કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. ત્યારે વાતાવરણમાં પલ્ટો આવતા અને વરસાદ વરસતા લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આથી રાજમાર્ગો ભીંજાયા હતા.બીજી તરફ ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે. હાલ ઉનાળુ પાક તલ, મગ, અડદ, બાજરીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે.