- રામવિલાસ પાસવાન(Ramvilas Pasvan)ના પુત્રએ લીધી અમદાવાદની મુલાકાત
- ચાર કલાકમાં જ અમદાવાદથી કામ પતાવી રવાના
- ભાજપના મોટા નેતા સાથે બેઠક
અમદાવાદ: બિહારમાં રાજકારણ ગરમાયેલું છે. ભાજપની સાથી પાર્ટી લોક જનશક્તિ પાર્ટીમાં રામવિલાસ પાસવાન(Ramvilas Pasvan)ના અવસાન બાદ તેમના પુત્ર ચિરાગ પાસવાન અને ભાઈ વચ્ચે સત્તાની ખાઈ મોટી બની છે. ચિરાગે અલગ ચીલો ચાતરવાનું નક્કી કર્યું છે. આવા સમયે ચિરાગે અચાનક જ અમદાવાદની મુલાકાત લીધી હતી.
પરિન્દુ ભગત સાથે બેઠકની ચર્ચા
રામ વિલાસપાસવાનના પુત્ર ચિરાગ પાસવાને અમદાવાદની ઊડતી મુલાકાત લીધી હતી. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે તેઓ સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને ચાર કલાક જેટલો સમય અમદાવાદમાં વિતાવ્યો હતો. તેઓની અમદાવાદની મુલાકાત સમયે ભાજપના દિગ્ગજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) ના વિશ્વાસુ એવા પરિન્દુ ભગત ઉર્ફે કાકુભાઈને મળ્યા હતા. બિહારમાં પરિસ્થિતિઓ જોતા તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. તેઓ પોતાના કાકા સામે લડવા તૈયાર હોય તેવુ લાગી રહ્યું છે.
કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલ પણ આવ્યા હતા ગુજરાત મુલાકાતે
ગઈકાલે કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલની ગુજરાત મુલાકાત સમયે તેમણે ચિરાગ પાસવાન સાથે પણ મુલાકાત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પરિન્દુ ભગતે ETV bharatને ને શું કહ્યું?
આ અંગે વધુ માહિતી મેળવવા ETV bharat દ્વારા પરિન્દુ ભગતનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ પરિન્દુ ભગતે ચિરાગ પાસવાને મળ્યાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, બે દિવસ અગાઉ તેમને કોઈ નેતાને ચિરાગ પાસવાનને મળવા ફોન આવ્યો હતો. પરંતુ તેઓએ તેમને મળવાનો ઇનકાર કર્યો હતો.