ડાંગઃ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરતપણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેનાં કારણે અંબિકા અને ખાપરી નદીને સાંકળતા 7થી વધુ કોઝવે પાણીમાં ગરક થઈ ગયાં હતાં. જેનાં લીધે 12 જેટલાં ગામડાઓ સંપર્ક વિહોણા બન્યાં હતાં.
છેલ્લાં એક મહિનાથી મેઘરાજા રિસામણાં બન્યાં હતાં જેનાં કારણે ચોમાસા દરમિયાન પણ ડાંગ જિલ્લામાં ખેડૂતો માટે ફાંફા મારવા પડયા હતા. પણ છેલ્લા 7 દિવસથી વિધિવત વરસાદ ચાલું થતા ખેડૂતો પણ ખુશહાલ બન્યાં છે. છેલ્લા બે ત્રણ દિવસથી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
જેના કારણે ડાંગની ચાર નદીઓ અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણાં નદીમાં ઘોડાપુરની સ્થિતી ઉભી થવા પામી છે. ગત રાત્રીથી અવિરત વરસાદ ચાલું રહેતાં સવારના 8 વાગ્યાંની સ્થિતિએ 7 જેટલાં માર્ગો બંધ કરવામાં આવ્યાં હતાં. જે પેકી બપોરનાં 1 વાગ્યાંની આસપાસ 4 જેટલાં કોઝવે ઉપરથી પાણી ઓસરી જતાં માર્ગો ખુલ્લા મુકાયા હતાં.
ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લા છેલ્લા 36 કલાક દરમિયાન આહવામાં 3.36 ઇંચ, સુબિરમાં 3.68 ઇંચ, સાપુતારામાં 3.12 ઇંચ, જ્યારે વઘઇમાં સૌથી વધું 5.44 ઇંચ વરસાદ નોંધાયો હતો.