તાપી: નિઝર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી મોટર સાયકલ પર સવાર થઈ વ્યારા તરફ જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા ટેમ્પો ચાલકેમોટર સાયકલને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસકર્મીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોલીસકર્મીને ટક્કર મારી: પોલીસકર્મી સતીષભાઈ ચૌધરી વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના નિઝર પોલીસ મથકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન સતિષભાઈની તબિયત સારી ન હોવાને કારણે તેઓ તેમના ગામ ચાંપાવાડી આવ્યા હતા. પોલીસકર્મી પોતાનું કોઈ કુરિયર પાર્સલ લેવા મોટર સાયકલ પર સવાર થઈ વ્યારા ખાતે જઈ રહ્યા હતા, ત્યારે માંડવી-વ્યારા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે વેળા એ બૂલેરો પિકઅપ ટેમ્પોના ચાલકે ઊંચમાડા તરફથી પુર ઝડપે અને ગફલત ભરી રીતે ટેમ્પો હંકાવી લાવી પોલીસકર્મીને ટક્કર મારી દીધી હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી: અકસ્માતમાં પોલીસ કર્મીને માથાના ભાગે તથા ડાબા હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે બાદ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં ટુંકી સારવાર બાદ પોલીસકર્મીનું મોત નિપજ્યું હતું, અકસ્માત સર્જાતા ટેમ્પો ચાલક નાસી છૂટ્યો હતો. કાકરાપાર પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.