તાપી: વ્યારામાં પ્રેમની તાલિબાની સજાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમીના પરિવારજનોએ પ્રેમિકાને ફોસલાવીને ઘરની બહાર લઈ ગયા હતા. ત્યારબાદ પ્રેમીની માતા અને તેમની સાથે રહેલા ત્રણથી ચાર લોકોએ ગામના રસ્તા પર યુવતીના કપડા ઉતારીને માર માર્યો હતો.
શું હતી સમગ્ર ઘટના: વ્યારાના એક ગામમાં રહેતી એક યુવતી વ્યારામાં તેનું ઘર છોડીને થોડા દિવસોથી તેના પ્રેમી સાથે રહેતી હતી. જે અંગે પ્રેમીના પરિવારજનોને વિરોધ હતો. તેમણે યુવકને માર મારી અન્ય ગાડીમાં મોકલી દઈ તેની પ્રેમિકા યુવતીને ઘરે મૂકી જવાના બહાને પરિવારના સભ્યો અવાવરૂ જગ્યા પર લઈ ગયા હતા. જ્યાં યુવતીના વાળ કાપીને કપડાં ફાડી નાખ્યા હતા અને માર મારી યુવતીને મૂકીને જતા રહ્યા હતા. યુવતી જીવ બચાવી નજીકના શેરડીના ખેતરમાં સંતાઈ ગઈ હતી. જે અંગેની ફરિયાદ યુવતી અને તેના પરિવારજનોએ વ્યારા પોલીસ મથકે કરતા પોલીસે ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે.
પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેઓ તેમના પ્રેમી સાથે વ્યારા ખાતે રહેતા હતા. પ્રેમીના પરિવારજનોનો વિરોધ હતો. મને પ્રેમીની માતા અને તેમની સાથે રહેલા ત્રણથી ચાર લોકોએ ગામના રસ્તા પર મારા કપડા ઉતારીને માર માર્યો હતો. જે સમયે કપડાં કાઢવામાં આવ્યા હતા તે સમયે પ્રેમીના પરિવારજનો સાથે આવેલ અજાણ્યા શખ્સો દ્વારા વીડિયો ઉતારવામાં આવ્યો હતો. સદનસીબે જીવ બચાવી ભાગતાં પાસેના શેરડીના ખેતરમાં સંતાઈ જવું પડ્યું હતું. પ્રેમીના પરિવારજનો મારી નાખવાના ઇરાદે આવ્યા હોય એવું લાગી રહ્યું હતું. થોડા સમય બાદ મારા ઘરના લોકો આવી જતા હું બહાર નીકળી અને પોલીસને જાણ કરી હતી.
હાલ પોલીસે અલગ અલગ કલમો હેઠળ ચાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરંતુ પ્રેમી યુવકની માતા સરપંચ હોય અને તે આ ગુનામાં મુખ્ય સૂત્રધાર હોય જે અંગે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
તાપી જિલ્લાના નાયબ પોલસ અધિક્ષકે જણાવ્યું હતું કે પીડિત મહિલાની ફરિયાદને લઈને અંગે વ્યારા પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો દાખલ કરવામાં આવેલ છે. 4 જેટલા આરોપીની ધરપકડ અંગેની કાર્યવાહી ચાલુ છે.