તાપી: પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ડિમોલેશનમાં અંદાજે 300 થી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. સવારના 6 વાગ્યાથી ડિમોલેશનની કામગીરી કરાઈ રહી હતી. જેમાં વ્યારા નગર પાલિકાના ચીફ ઓફિસર સહિત ઈજનેરો, કર્મચારીઓ પણ ડિમોલેશનની કામગીરીમાં લાગ્યા હતા.
નોટીસ હતીઃ સ્થાનિકોને નોટીસ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા ગેરકાયદેસર જગ્યા પર ઘર બાંધી વર્ષોથી રહેતા લોકોને સૂચના આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું કે, તારીખ 22 ના રોજ ડિમોલેશન કરવામાં આવશે. અને પોતાના ઘર ખાલી કરી દેવા વિનંતી કરવામાં આવી હતી. પરંતુ લોકો એ પોતાનું ઘર ખાલી કર્યું ન હતું. સવારના 6 વાગ્યે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી લોકોના ઘર ખાલી કરવાની કાર્યવાહી કરાઈ હતી.
ઘર ખાલી કર્યા: ઉલ્લેખનીય છે કે, ચોમાસું આવવાના ગણતરીના દિવસો બાકી છે. ઘર વિહોણા થયેલા લોકો પોતાના છોકરાઓ સાથે ચોમાસા દરમિયાન ક્યાં રહેશે એ લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. વ્યારામાં આવેલ શંકર ફળિયામાં લોકો છેલ્લા 40 વર્ષ થી રહે છે. પોલીસ દ્વારા તેમને અગાઉ નોટીસ આપવામાં આવી હતી કે, ઘેર કાયદેસર બનાવેલ ઘર ખાલી કરી દેવામાં આવે. સ્થળાંતર કરી દેવામાં આવે. પરંતુ સ્થાનિકો એ ઘર ખાલી કર્યા ન હતા.
ઘર ગુમાવ્યું: છેલ્લા 40 વર્ષ થી વધુ સમયથી સરકારી જગ્યા પર રહેતા લોકોએ ઘર ગુમાવ્યું છે. લોકોની માંગણી હતી કે, તેમને 4 મહિનાનો સમય આપવામાં આવે ચોમાસુ પૂર્ણ થાય ત્યાં સુધી તેમને ત્યાજ રહેવા દેવામાં આવે. રહેવા માટે બીજી જગ્યા ફાળવી આપવામાં આવે. પરંતુ તંત્ર દ્વારા સ્થાનિકોની કોઈ પણ વાત સાંભળવામાં ના આવી હતી. લોકોના ઘર પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું, અમુક સ્થાનિકો પોતાના ઘરમાંથી સામાન પણ ન કાઢી શક્યા હતા.