સુરેન્દ્રનગર/મોરબી: રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રીઓની કારને આજે અકસ્માત નડ્યો હતો. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના કાફલાને લીંબડી હાઇ-વે પર બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાની કારને હળવદ હાઇવે પર અકસ્માત નડ્યો હતો.
લીંબડી-અમદાવાદ હાઇવે પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પાઈલોટિંગ કરતી કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારે બાઈકને અડફેટે લેતાં બાઇક સવાર એક વ્યક્તિને પગના ભાગે ઇજા પહોંચી હતી. CM રૂપાણીએ પોતાની કારમાંથી ઉતરી તાત્કાલિક ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડયો હતો. આ મામલે વિજય રૂપાણીના PA એ જણાવ્યું હતું કે વિજય રૂપાણી સહી સલામત છે, તેમને કોઈ ઈજા પહોંચી નથી.
પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાની કારને હળવદ હાઇવે પર અકસ્માત નડ્યો છે. જોકે, તેઓ સલામત રીતે બીજી કારમાં માંડવી પહોંચી ગયા છે. પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા બોર્ડી ગાર્ડ કારમાં સવાર હતા. ત્યારે ગાંધીનગરથી માંડવી જતી વખતે હળવદ સરા ચોકડી પાસે કાર ટ્રક સાથે અથડાતાં કારને સામાન્ય નુકસાન થયું હતું. આ બનાવમાં કોઇને ઈજા પહોંચી નથી.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાને ETV BHARATએ અકસ્માત અંગે પૃચ્છા કરી તો સુરેશ મહેતાએ કહ્યું કે, હા અમારો ટ્ર્ક સાથે નાનો અકસ્માત થયો છે. પણ કોઇ ચિંતાનું કારણ નથી. કોઇ ઇજાગ્રસ્ત નથી. સૌ સલામત છીએ. અને આ સાથે સુરેશ મહેતાએ ETV ભારતે દાખવેલી ચિંતા બદલ આભાર માન્યો હતો.