સુરેન્દ્રનગર : રાજ્યમાં ફરી એક વખત બ્રિજ તુટવાની દુર્ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના વસ્તડી ખાતે જર્જરિત બ્રિજ ધરાશાયી થતા, લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના વઢવાણમાં વસ્તડી ખાતે પુલ અચાનક જ ધરાશાયી થતા, જેમાં પુલની સાથે એક ડમ્પર પણ નીચે પડી ગયું હતું. હાલમાં કોઈ જાનહાનિની વિગતો સામે આવી નથી.
લોકોને સારવાર અર્થે ખસેડાયા : આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. આ મુખ્ય પુલ 110 ગામને જોડવાનું કાર્ય કરતો હતો. હવે પુલ તુટવાને કારણે તમામ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. બ્રિજ પરથી ડમ્પર પસાર થઇ રહ્યું હતું, તેવા સમયે બ્રિજનો ભાગ નીચે પડતા ડમ્પરમાં સીધું જ નદીમાં ખાબક્યુ હતું. ડમ્પર સહિત બે બાઈક પણ તે સમયે પસાર થઈ રહ્યા હતા. ભોગાનો નદિ પરનો પૂલ ધરાશાયી થતા લોકો ફસાયા હોવાની આશંકા છે. ડમ્પર તેમજ બે બાઈક પણ પૂલથી નીચે પટકાતા ચાર થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
તંત્રએ આંખ આડા કાન કર્યા હતા : સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરતા ડમ્પરમાં સવાર 4 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે છેલ્લા ઘણાં સમયથી બ્રિજ નવો બનાવવા માટે રજુઆત કરવામાં આવી રહી હતી. પરંતું તંત્રએ માત્ર સમારકામ કરીને સંતોષ માની લીધો હતો. એટલું જ નહીં યોગ્ય સમારકામ ન થતા બ્રિજ ધરાશાયી થયા હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે.
ક્લેકટરે હાથ ઉંચા કર્યા : આ અંગે કલેકટર કે.સી. સંપટએ જણાવ્યું કે, આ બ્રિજ 40 વર્ષ જૂનો છે. જેમાં ભારે વાહનો માટે બ્રિજ ખરતા સમાન હતો, તેમ છતા તેના પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા. જેના કારણે આજે બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે.