સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને બેટી બચાઓ બેટી પઢાઓ સેલ દ્વારા જિલ્લામાં સૌ પ્રથમ વખત બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત દીકરી વ્હાલનો દરિયો ભવ્ય લોક સાંસ્કૃતિક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં લોક કલાકાર કિર્તીદાન ગઢવીએ લોકગીત, દેશભક્તિ ગીત તેમજ શૌર્ય ગીતોની રમઝટ બોલાવી હતી. જ્યારે આ લોકડાયરામાં જિલ્લા કલેક્ટર કે. રાજેશ પણ જાહેર સ્ટેજ પર કિર્તીદાન ગઢવી સાથે સૂર મિલાવી ઝવેરચંદ મેઘાણી રચિત ગીત, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ગીત ગાયું હતું. કલેક્ટર પોતે બહારના રાજ્યના હોવા છતા ઘણા વર્ષોથી ગુજરાતના લોક સાહિત્યને અનુસરવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમને ગુજરાતના લોકગીત શરૂઆતથી જ ગમતા હતા અને અગાઉ પણ પોતાના રહેણાંક મકાનમાં કિર્તીદાન ગઢવી સાથે લોક ગીત ગાયું હતું.
જ્યારે લોકડાયરામાં પણ ક્લેક્ટરએ ગુજરાતના લોકો તેની સંસ્કૃતિ અને લોકગીત તેમજ સાહિત્યની પ્રશંસા કરી હતી અને ગીત સંગીતને ઈશ્વર સાથે સરખાવી સાચી લગન અને ઇચ્છા હોય તો દરેક કામ શીખી શકાય છે તેમ જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર બહારના રાજ્યના હોવા છતા ગુજરાતી સાહિત્યના રંગમાં રંગાય ગયેલા જણાઈ આવતા લોકોને પણ આશ્ચર્ય થયું હતું.