સુરેન્દ્રનગર: પોલી ચોટીલા ખાતે આવેલા કમલ વિદ્યા મંદિર સંકુલ નામની ખાનગી શાળામાં અંદાજે 700 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે. તે પૈકી 200થી વધુ વિધાર્થીનીઓ શાળામાં આવેલી હોસ્ટેલમાં રહે છે, ત્યારે તાજેતરમાં શાળામાં સંચાલક બટુકભાઇ ભટ્ટી દ્વારા વિધાર્થીનીઓ સાથે છેડતી અને શારીરિક અડપલા કરતા હતાં. જે અંગેની જાણ વિદ્યાર્થિનીઓએ ઘરે આવી વાલીઓને કરતા મોટી સંખ્યામાં વાલીઓ સહિત સમાજના આગેવાનો હોદ્દેદારો શાળા ખાતે ઉમટી પડયા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી, ત્યારે રોષે ભરાયેલા વાલીઓ અને વિધાર્થીઓએ શાળાની સ્કૂલ બસને પણ પથ્થર મારો કરી નુકસાન પહોચાડ્યું હતું, જે બાદ વાલીઓના ટોળેટોળા ચોટીલા પોલીસ મથકે ઉમટી પડયા હતા અને છેડતી કરનાર સંચાલક સામે ફરીયાદ નોધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી.
આ સમગ્ર બનાવને લઇ પોલીસેે રજૂઆતને પગલે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. તેમ છતા વાલીઓમાં અસંતોષ જોવા મળતા મોડી રાત્રે ચોટીલા હાઇવે પર ચક્કાજામ કરી ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો જેને પગલે DSP, DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લોકોને સમજાવી મામલો થાળે પાડયો હતો.
બનાવને લઇ શાળાના સંચાલક સામે વિધાર્થિનીની માતા દ્વારા પોસ્કો એકટ મુજબ છેડતી અને એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોધી હતી. આ સમગ્ર બનાવને લઇ વાલીઓએ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બનાવ અંગે ગુનો નોધાવ્યો હતો. જો કે, ગુરૂ અને શિષ્યને લાંછનરૂપ બનાવથી શાળાના સંચાલક સામે ફિટકારની લાગણી વરસી રહી છે અને આવા નરાધમ સંચાલક સામે કડક કાર્યવાહી કરી કડક સજા મળે તેવી લોક માગ ઉઠી હતી.