સુરેન્દ્રનગરઃ જિલ્લામાં પાણીની સમસ્યા જૂની છે. ઉનાળાની શરૂઆતમા જ લોકો પીવાના પાણી માટે રઝળપાટ કરતા જોવા મળે છે. રાજય સરકાર પીવાના પાણીના પ્રોજેક્ટો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે ને મસ મોટી જાહેરાતો કરે છે, પરંતુ પરિણામ કંઇ જ દેખાતું નથી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણી માટે ઉનાળાની શરૂઆતમા જ કકળાટ શરૂ થઇ જાય છે.
ચોટીલા શહેરને અડીને જ આવેલા દુધેલ રોડ પર વસતા સામાન્ય પરિવારોને પીવાના પાણી માટે દુર-દુર સુધી ભટકતા જોવા મળી રહયા છે અને લોકોને પીવાના પાણી માટે એક માત્ર સ્ત્રોત પશુને પીવા માટે બનાવેલો અવેડો છે. આ વિસ્તારમાં લોકોને પીવાનું પાણી ન મળતું હોવાથી આ લોકો વિસ્તારમાં આવેલ પશુઓના અવેડામાથી ગંદુ પાણી ભરી પીવા મજબૂર બન્યા છે.
લોકડાઉન છે પરંતુ પીવાના પાણી માટે લોકડાઉન તોડી પીવાનું પાણી ભરવા પશુનાં અવેડામાં જવુ પડે છે. લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ નિંભર તંત્ર દ્વારા કોઇ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી. પરંતુ હાલ તો સુરેન્દ્રનગર જિલ્લામાં એશિયાનું સૌથી મોટું નર્મદા નિગમનું પંપીગ સ્ટેશન લખતર તાલુકાના ઢાંકી ખાતે આવેલું છે. ત્યાથી પીવાનુ શુદ્ધ પાણી પાઇપ લાઇન દ્રારા તેમજ કેનાલો દ્રારા પંપીગ કરી રાજકોટ જામનગર કચ્છ જિલ્લા સુધી પહોંચે છે. પરંતુ કુવા કાઠે તરસ્યા જેવો ઘાટ જિલ્લામાં સર્જાયો છે.
હાલ તો શહેરને અડીને જ આવેલા ચોટીલાના આ સામાન્ય લોકોની વસ્તીને પશુઓના અવેડામાંથી ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. આ ગંદુ પાણી પીવાથી જો કોઇ રોગચાળો ફાટી નિકળે તો તેના માટે કોણ જવાબદાર છે. આ વિસ્તારના લોકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક લોકોને પીવાનુ શુદ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યા છે, બીજી તરફ તંત્ર તરફથી કેમેરા સામે કાઇ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો. હવે એ જોવું રહ્યુ કે માણસને પશુ સાથે પાણી પીતા તંત્ર કયારે છુટકારો અપાવે છે.