સુરેન્દ્રનગરઃ જિલ્લામાં મિશન મંગલમ અંતર્ગત સખી મંડળની બહેનો કોરોના વાઇરસના સંક્રમણના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, તેવા સમયે જિલ્લાની 540 ગ્રામ પંચાયતો પૈકી 77 ગ્રામ પંચાયતમાં મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળની બહેનો દ્વારા આ મહામારીના સમયે લોકોને ઉપયોગી થવાના હેતુસર સ્વખર્ચે માસ્ક બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ માસ્ક બનાવવાની કામગીરીમાં કુલ 35 ગ્રામ સંગઠન અને 23 સ્વ સહાય જૂથ મળીને કુલ 91 જેટલી બહેનો સંકળાયેલી છે. જે અન્વયે મિશન મંગલમ યોજના અંતર્ગત જિલ્લાની સખી મંડળની બહેનો દ્વારા ચોટીલામાં 2900, ચુડામાં 2500, ધ્રાંગધ્રામાં 9260, લખતરમાં 300, લીંબડીમાં 3300, મૂળીમાં 1881, સાયલામાં 6650, પાટડીમાં 5300, થાનગઢમાં 4500 અને વઢવાણ તાલુકામાં 18,900 માસ્ક મળીને કુલ 55,491 જેટલા માસ્ક સ્વખર્ચે બનાવેલા છે. જિલ્લાના સખી મંડળની બહેનો દ્વારા ગ્રામ પંચાયતના GLPCના કુલ 23,100 અને અન્ય સંસ્થાના 32,391 માસ્કના ઓર્ડર મુજબ બનાવેલા 55491 માસ્ક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 21,300 જેટલા માસ્ક લોકોને વિનામુલ્યે અર્પણ કરી સેવાકીય પ્રવૃતિ પણ કરવામા આવી છે, તેમજ બાકીના માસ્કનું વેચાણ કરી આ કામગીરી થકી સખી મંડળની એસ.એચ.જી.ની બહેનો દ્વારા આવક પણ મેળવે છે.