સુરેન્દ્રનગરઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસએ કહેર મચાવ્યો છે. ત્યારે, લોકડાઉનને કારણે તમામ ધંધા અને રોજગાર છેલ્લા બે મહિનાથી બંધ રહેતા અનેક દુકાનદારો સહિત નાના ધંધાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે.
તાજેતરમાં સરકાર દ્વારા આ લોકોને મદદરૂપ થવાના હેતુથી આત્મનિર્ભર યોજના હેઠળ માત્ર ૨% વ્યાજે રૂપિયા એક લાખની લોન આપવાની જાહેરાત કરી છે. ત્યારે આ લોન મેળવવા માટેના ફોર્મ અંગે સુરેન્દ્રનગર શહેરની રાજકોટ નાગરિક સહકારી બેંક સહીત કોઓપરેટીવ બેંકમાં લાભાર્થીઓની લાંબી લાઈનો લાગી હતી. જયારે બેન્ક દ્વારા પણ તમામ લાભાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવી એક પછી એક લોન અંગેનું ફોર્મ આપવામાં આવ્યું હતું. જો કે, ફોર્મ મેળવનાર લાભાર્થીએ ફોર્મમાં માગેલ આધાર પુરાવા અને ડોક્યુમેન્ટને લઇ નારાજગી વ્યક્ત કરી હતી. અને ફોર્મ ભર્યા બાદ લાભાર્થીઓને સરકાર રૂપિયા એક લાખની લોન આપે છે, કે નહીં તે અંગે પણ અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.