સુરેન્દ્રનગરઃ જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતાં હોય છે. ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં- 8(A) પર ચોટીલા યાત્રાધામ આવેલું છે. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિ.મી અને રાજકોટથી આશરે 50 કિ.મી અંતરે આવેલું છે. સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ, ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1.173 ફુટ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે બારે માસ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ચામુંડા માતાજીના દર્શને ઉમટી પડે છે. તહેવારોના દિવસો દરમિયાન માઁ ચામુંડા માતાને અલગ-અલગ શણગારોથી સજવા માઁ આવે છે. સવારે અને સાંજે સુર્યાસ્ત સમયે થતી આરતીનો ભક્તો મોટી સંખ્યામાં લાભ લે છે. ચોટીલા ખાતે ભક્તો માટે જમવા અને રહેવાની વ્યવસ્થા પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
મોટી સંખ્યા માઁ ભક્તો મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. ચોટીલા ચામુંડા માતાના દર્શને માત્ર ગુજરાતમાંથી જ નહિ, પરંતુ મુંબઈ, રાજસ્થાન જેવા શહેરોમાંથી પણ ભક્તો આવે છે. ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. નિસંતાન દંપતીને ત્યાં પારણું, પારિવારિક સુખ, નોકરી, સમૃદ્ઘિ, શાંતિ માટે લોકો ચામુંડા માતાના દર્શનની બાધા રાખે છે, અને તેમની મનોકામના પૂર્ણ થતા બાધા પૂર્ણ કરવા ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. વર્ષોથી ચોટીલા ખાતે પૂનમના દર્શનનું વિશેષ મહત્વ છે. રજાઓમાં લાખોની સંખ્યામાં દુર દુરથી પગપાળા યાત્રા કરીને ભક્તો ચામુંડા માતાના ધામ ચોટીલા ખાતે દર્શન કરવા આવે છે.