સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા થાન શહેર તેમજ તરણેતર, રામપરા, લાખામાચી, રાવરાણી સહિતના ગામોમાં ક્ષત્રીય સમાજ અને કાઠી દરબારોની મોટી વસ્તી ધરાવે છે. બંને જ્ઞાતિઓએ વચ્ચે અંદાજે 50 વર્ષ પહેલા એક હત્યાકેસમાં વેરના બીજ રોપાયા હતા. ત્યારબાદ બંને પક્ષ થઈ ચાર હત્યાના બનાવ તેમજ નાના મોટા ઝઘડાઓના બનાવ બન્યા હતા. જેમાં બન્ને સમાજના લોકોએ ખુંવારી અને કોર્ટ-કચેરીના ચક્કરમાં આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો.
50 વર્ષથી ચાલ્યા આવતા આ વેરને શામાવવા માટે બન્ને સમાજના આગેવાનો આગળ આવ્યા હતા. જેમાં ક્ષત્રિય સમાજના જયરાજસિંહ જાડેજા, રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, કાઠી સમાજના રામભાઈ કરપડાના લખામાંચીના અનુપસિંહ, અજુભા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં બંને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો બન્ને સમાજના આગેવાનોએ એકબીજાના મોં મીઠા કરાવીને જુની કડવાશ અને વેરઝેર ભૂલી જઈ વર્તમાન બંને સમાજના લોકોને એક થવા હાકલ કરી હતી. તેમજ ભૂતકાળ ભૂલીને વર્તમાનના આ બંને સમાજની એક થવાના પ્રસંગે ઉત્સવ તરીકે ઉજવાયો હતો.