સુરેન્દ્રનગર શહેરમાં કરોડો રૂપિયાનો ખર્ચ ભૂગર્ભ ગટર યોજના પાછળ કરવામાં આવ્યો છે. પરંતુ આ રૂપિયા પણ જાણે ગટરમાં વહી ગયા હોય તેવી સ્થતિ સર્જાઇ છે. શહેરના વોર્ડ નંબર-3માં આવેલી મારવાડી લાઇનમાં પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પાલિકા દ્વારા જ્યારે પાણી વિતરણ કરવામાં આવે છે, ત્યારે અમુક સમયે લાઇન લીકેજ કે વધુ સમય પાણી આવતા રસ્તા પર પાણી ફરી વળે છે. પરંતુ આ પાણીના નિકાલની કોઇ વ્યવસ્થાન ન હોવાના કારણે શેરીમાં જ પાણી ભરાયેલા રહે છે. તેમજ સતત પાણી ભરાઇ રહેતા માખી અને મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય રહે છે. આથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર કાર્યરત કરી તેમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.