સુરત: વિશ્વના હીરા ઉદ્યોગ માટે આજે મહત્વનો દિવસ છે, કારણ કે અમેરિકાના પેન્ટાગોન થી પણ મોટી ઓફિસ હવે ભારતના સુરત શહેરમાં બનીને તૈયાર થઈ ગઈ છે, આજે દશેરાના પાવન પર્વ પર ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા ઉદ્યોગપતિઓએ કુંભ ઘડાનું સ્થાપન કરી ઐતિહાસિક દિવસની શરૂઆત કરી છે. ખુદ કેન્દ્રીય રાજ્યપ્રધાન દર્શના જરદોશ માથે કુંભ ઘડો મૂકી ડાયમંડ બુર્સમાં જોવા મળ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, 17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી ઓફિસ ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે.
ડાયમંડ બુર્સ બનીને તૈયાર: વિશ્વભરના ડાયમંડ ઉદ્યોગ માટે સુરત એક પાટનગર છે, અહીં વિશ્વના 100 માંથી 90 હીરા કટીંગ અને પોલીશિંગ થાય છે. હવે સુરત શહેરમાં વિશ્વના સૌથી મોટી હીરા ઓફિસનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. શહેરના ખજોદ વિસ્તારમાં ડાયમંડ બુર્સ બનીને તૈયાર થઈ ગયું છે. 35 એકર વિસ્તારમાં 15 માળની 9 ઇમારતો તૈયાર કરવામાં આવી છે જેમાં 4700 જેટલી ઓફિસો બનીને તૈયાર છે. ખાસ કરીને હીરા ઉદ્યોગને વેગ મળે તે માટે અહીં જ કસ્ટમ ઓફિસ પણ જોવા મળશે. આગામી 17 મી ડિસેમ્બરના રોજ ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવામાં આવશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેટલાંક વિશ્વના મોટા નેતા પણ હાજરી આપે તેવી શક્યતાઓ છે.
કસ્ટમ ઓફિસ સહિતની તમામ સુવિધા: આજે શાસ્ત્રોત વિધિ સાથે વિજયા દશમીના પર્વ પર ડાયમંડ બુર્સમાં કુંભ ઘડા આવ્યા હતા. પોતે કેન્દ્રીય રાજ્યપ્રધાન દર્શના જરદોશે માથે કુંભ ઘડો મૂકીને ડાયમંડ બુર્સનો શુભારંભ કરાવ્યો હતો. અહીં જે ઓફિસના માલિક છે તેઓએ પણ પરિવાર સાથે પરંપરાગત રીતિ કુંભ ઘડાને ઓફિસમાં સ્થાપિત કર્યો હતો. 3 હજાર 400 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ ઈમારતોમાં વિશ્વની સૌથી મોટી ઓફિસો આવેલી છે. જેની અંદર તમામ પ્રકારની સુવિધાનો ખ્યાલ રખાયો છે, ખાસ કરીને હીરાનો વજન, સર્ટિફિકેશન, વેલ્યુએશન અને બોઈલિંગ સહિતની તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ રહેશે. એટલું જ નહીં ઓફિસના માલિકોને તમામ પ્રકારના લગતા ટુલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ સ્ટેશનરી સહિતની તમામ સુવિધાઓ પણ અહીંથી ઉપલબ્ધ રહેશે.
175 દેશના વેપારીઓ આવશે: સુરત ડાયમંડ બુર્સના ટ્રસ્ટી મથુર સવાણીએ જણાવ્યું હતું કે, 175 દેશના બાયાર્સ અહીં આવવાના છે. અગાઉ સુરતમાં 84 દેશના લોકો વેપાર કરવા માટે આવતા હતા. હવે સુરત ડાયમંડ બુર્સમાં 175 દેશના વેપારીઓ આવશે. એટલે 175 દેશના વાવટા અહીં ફરકશે. મહત્વપૂર્ણ છે કે, આગામી 17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે. જેને લઈને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં જબરજસ્ત ઉત્સાહ છે.
17 ડિસેમ્બરે વડાપ્રધાનના હસ્તે ઉદ્ધાટન: આ પ્રસંગે કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલ્વે રાજ્ય પ્રધાન દર્શના જરદોશે જણાવ્યું હતું કે, ભારતના ગ્લોબલ ઈમેજમાં ડાયમંડ ઉદ્યોગ મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાત અને તેમાં પણ સુરત દુનિયાનો નંબર વન હીરા બુર્સ બનવા જઈ રહ્યું છે. જેની અંદર 1000 જેટલાં વેપારીઓ દ્વારા સામૂહિક રીતે કુંભ ઘડો મૂકીને શરૂઆત કરી છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 17મી ડિસેમ્બરના રોજ ઉદ્ઘાટન કરશે ત્યારે વિધિવત રીતે અહીં ઓફિસો કાર્યરત થઈ જશે.