અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની યુવા શાખા દ્વારા ગત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જાગૃત્તિ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેને લોકસભાની ચૂંટણી-2019ને ધ્યાનમાં રાખીને આગળ વધારતાં ‘વોટ કરેગા યુવા’ અભિયાન હેઠળ વેસુ ખાતે ‘મતદાન સુવિધા કેન્દ્ર’ શરૂ કરવામાં આવ્યું છે. જેના દ્વારા મતદારો પોતાના બુથ નંબર, ચૂંટણીલક્ષી ઓનલાઈન વિગતો, ચૂંટણી ઓળખ કાર્ડ મેળવવાની પ્રક્રિયા, દક્ષિણ ગુજરાતની લોકસભાની બેઠકો અંગેની જાણકારી એક જ સ્થળેથી મેળવી શકશે. આ કેન્દ્ર દ્વારા મતદારો અને ખાસ કરીને યુવાવર્ગ પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરે તે માટે પ્રેરિત કરવામાં આવશે.
'વોટ કરેગા યુવા’ અભિયાનમાં 300 યુવાનોની ટીમ મતદાતા જાગૃત્તિ માટે અવનવા કાર્યક્રમો કરી રહી છે, ત્યારે દરરોજ રાત્રે ત્રણ જેટલી રેસિડેન્સીમાં જઈને મતદાન જાગૃત્તિનું નુક્કડ નાટક ભજવીને લોકોને જાગૃત્ત કરવામાં આવી રહ્યાં છે. ‘મતદાન સુવિધા કેન્દ્ર’ લોકસભા ચૂંટણી માટે મતદાર સહાયતા કેન્દ્ર તથા ‘વોટ કરેગા યુવા’ અભિયાનના કંટ્રોલ રૂમ તરીકે કાર્યરત રહેશે. આ દરમિયાન યુવા શાખાની ટીમ દ્વારા મતદાન જાગૃત્તિ વિષય પર નુક્કડ નાટક ભજવીને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.