સુરત : પાલ ગામ ખાતે આવેલા એક સ્પામાં કામ કરતી મહિલા કર્મચારી અને સ્પા સંચાલક વચ્ચે પગાર બાબતે માથાકૂટ થઈ હતી. સ્પા સંચાલક સાથે બોલાચાલી દરમિયાન સંચાલક અને મહિલા કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. આ ઘટનાને સાથે રહેલ કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ અંગે ભોગ બનનાર મહિલાએ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે સ્પા સંચાલક પિયુષ ગાંધીની ધરપકડ કરી લીધી હતી.
શું હતો મામલો ? આ બનાવ અંગે મળતી વિગત અનુસાર પાલ ગામ ભાગ્યરત્ન એપાર્ટમેન્ટમાં પીપલ્સ વેલનેસ સ્પા સેન્ટરમાં આવેલ છે. જેમાં કામ કરતી મહિલા કર્મચારીનો 15 દિવસનો પગાર બાકી હતો. જેથી મહિલા મોડી સાંજે સ્પા ખાતે ગઈ હતી અને તેણે સ્પા સંચાલક પિયુષ જતીન ગાંધી પાસે 15 દિવસના પગારના રૂપિયા માંગ્યા હતા. જોકે સ્પા સંચાલકે મહિલાને રૂપિયા આપવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ મામલો વધી જતા પિયુષ ગાંધીએ મહિલા સાથે ઝપાઝપી કરી તેને ધક્કા મારી સ્પામાંથી બહાર કાઢી હતી.
મારામારીનો વીડિયો વાયરલ થયો : જોકે આ તકે ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. બાદમાં મહિલા કર્મચારીએ પાલ પોલીસ સ્ટેશનમાં સ્પા સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન આ વીડિયો પણ સામે આવતા સ્પાના માલિકની ધરપકડ પણ કરવામાં આવી હતી.
સ્પા સંચાલકની ધરપકડ : આ સમગ્ર મામલે સુરત પોલીસ ACP બી.એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ બાબતે મહિલા દ્વારા પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ઘોડ દોડ રોડના ગુરુકૃપા સોસાયટીમાં રહેતા પિયુષ ગાંધીની ધરપકડ કરી લીધી હતી. સ્પામાં થયેલી ઝપાઝપીનો વીડિયો મોડી સાંજે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. વિડિયોમાં પિયુષ ગાંધી મહિલા સાથે ઝપાઝપી કરતો દેખાય છે. જ્યારે મહિલા સ્પામાં પડેલી ચીજ-વસ્તુઓ ફેંકતી નજરે પડી રહી છે.