સુરત : અગ્નિવીર અને સેનાની અન્ય પાંખમાં જવા ઈચ્છતા દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ કોર્સની શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાતમાં પ્રથમવાર સેનામાં જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી એક નવો કોર્સ વર્ષ 2024-25 માં શરૂ થશે. યુનિવર્સિટીના હિન્દુ સ્ટડી ડિપાર્ટમેન્ટ સાથે બી.એ. ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી કોર્સ આવતા સત્રથી શરૂ કરવામાં આવશે.
BA ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી : બી.એ. ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી કોર્સ શરૂ કરતા પહેલા એક કમિટી બનવામાં આવી છે. જેના માધ્યમથી નવા કોર્સ માટે સિલેબસ આવશે. કમિટી તરફથી જે કોર્સ તૈયાર કરવામાં આવશે એના પછી એકેડમિક કાઉન્સિલમાં આ કોર્સની મંજૂરી માટે મૂકવામાં આવશે. યુનિવર્સિટીની પ્રક્રિયા પ્રમાણે એકેડેમિક કાઉન્સિલ પછી સિન્ડિકેટ તરફથી પણ કોર્સને મંજૂરી લઈને નવા સત્ર 2024-25થી બી.એ. ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી કોર્સ ચાલુ કરી દેવામાં આવશે. કોર્સ માટે સીટોની સંખ્યા અને ફી પણ નિર્ધારિત કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાની માહિતી મળી છે.
યુનિવર્સિટી બી.એ. વીથ ડિફેન્સ અને નેશનલ સિક્યુરિટી કોર્સ શરૂ કરવા જઈ રહી છે. 140 કરોડ જનતાની આંતરિક સલામતી માટે તેમજ રાષ્ટ્રીય વાતાવરણ માટે જરૂરી હોય તે માટે પણ વિદ્યાર્થીઓ તૈયાર થશે. તેમજ અગ્નિવીર માટે પણ આ કોર્સ ઉપયોગી બની રહેશે. સેનાની અલગ અલગ પાંખમાં જે વિદ્યાર્થીઓ ઓછી સંખ્યામાં જોડાય છે તે વધારે સંખ્યામાં જોડાયા આ માટે આ કોર્સ ખૂબ જ ઉપયોગી બની રહેશે. -- ડો. કિશોરસિંહ ચાવડા (કુલપતિ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી)
ફિઝિકલ અને થીયરીની ટ્રેનિંગ : કેન્દ્ર સરકાર તરફથી અગ્નિવીર ભરતી યોજના ચાલુ કરવામાં આવી છે. જેના પછી યુવાનો આ કોર્સ માટે મોટી સંખ્યામાં ભાગ લેશે આવી યુનિવર્સિટીને અપેક્ષા છે. કોર્સ સેલ્ફ ફાઈનાન્સ રહેશે, ધોરણ 12 ઉત્તીર્ણ કર્યા બાદ આ કોર્સમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર આ કોર્સની શરૂઆત થશે. આ કોર્સમાં વિદ્યાર્થીઓને ફિઝિકલ અને થીયરી બંને પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે. સેનાની વિવિધ પાંખમાં કઈ રીતે જઈ શકાય આ અંગેની માહિતી આપવામાં આવશે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ અગ્નિવીરમાં જવા માટે પ્રયત્નશીલ છે, તેમને યોગ્ય માર્ગદર્શન સાથે તમામ પ્રકારની ફિઝિકલ અને થીયરી ટ્રેનીંગ કોર્સમાં મળી રહેશે.
કેવી રીતે મળશે પ્રવેશ : સાથે તેઓએ જણાવ્યું હતું કે, કોઈપણ વિદ્યાર્થી જેને કોઈપણ વિષયમાં ધોરણ 12 પાસ કર્યું હોય તે વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે છે. પ્રવેશ માટે યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેરાત મૂકવામાં આવશે. તેની ઉપર તેઓને ફોર્મ ભરવાનું રહેશે. ટૂંક સમયમાં પ્રવેશ અને ફી અંગેની તમામ જાણકારી મળી રહેશે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આ જ પ્રકારનો કોર્સ ચાલે છે. જોકે દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર આ કોર્સ શરૂ કરવામાં આવશે.