સુરત: ગુજરાત સરકારની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો પ્રારંભ થયો છે. ત્યારે વરાછા બેંકના ચેરમેન કાનજી ભલાડાએ જણાવ્યું હતું કે, ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે કે, જ્યાં સામાન્ય લોકોને 6 ટકા વ્યાજ સબસીડીવાળી માત્ર 8 ટકા લોન આપવાની આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના છે.
વરાછા બેંકએ પ્રથમ જ દિવસે 200થી વધુ જરૂરીયાત મંદ પરિવારોને દોઢ કરોડથી વધુ રૂપિયાની લોન આપી છે. સરકારે જે હેતુથી આ યોજના જાહેર કરી છે, તેમાં વરાછા બેંક એક ફરજ સમજી બની શકે તેટલા વધુ લોકોને ઉપયોગી થવાનો પ્રયાસ કરશે. વરાછા બેંક એ આત્મનિર્ભર ગુજરાત યોજનાની સાથે જ 9 ટકાની કોરોના ફાસ્ટ લોન યોજના ચાલુ કરી છે. જેમાં અત્યાર સુધીમાં રૂપિયા 50 હજારની 468 લાભાર્થીઓને 2.34 કરોડની લોન આપી દીધી છે. જેમાં પણ છ માસ મોરેટોરિયમ પિરિયડ આપેલ છે.
જયારે આત્મનિર્ભર લોન મેળવનાર રમેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, તેઓ બૅનર પ્રિન્ટિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે, 1 લાખની લોન મળતાં રાહત મળી છે અને વ્યવસાય માટે સાધન સામગ્રી ખરીદવા માટે ઉપયોગી બની રહેશે.