સુરત : સુરત શહેર હીરાનગરી, બ્રિજ સિટી, ટેક્સટાઈલ હબ તરીકે ઓળખાય છે. પરંતુ હવે સુરત શહેર ઓર્ગન ડોનર સીટી તરીકે પણ ખ્યાતિ પામી રહ્યું છે. કારણ કે સૌથી વધુ અંગદાનની ઘટનાઓ સુરતમાંથી સામે આવી રહી છે. ત્યારે આજે એક જ દિવસમાં બે અંગદાનની ઘટના સામે આવી છે. સુરતથી ડોનેટ લાઈફ દ્વારા 48 માં હૃદય અને ફેફસાના દાનની ૧૯મી ઘટના છે.
પ્રથમ અંગદાન : 46 વર્ષીય પંકજ કુમાર મૂળ કલકત્તાના રહેવાસી અને હાલમાં સુરતના પાલનપોર ગામ રોડ સ્તુતિ આઈકોનમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ ગોય એસ્સાર ગ્રુપની ભાટપોરમાં આવેલ સીરોસ એનર્જી કંપનીમાં CFO તરીકે ફરજ બજાવતા હતા. તેઓ 5 જુલાઈના રોજ માથામાં દુખાવો થતા અને શરીરમાં નબળાઈ લાગતા પરિવારજનોએ તેમને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં નિદાન માટે CT સ્કેન અને MRI કરાવતા બ્રેઈનસ્ટ્રોક હોવાનું નિદાન થયું હતું. પરિવારજનો તેઓને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેઓને બ્રેઈન સ્ટ્રોક અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.
46 વર્ષીય પંકજકુમાર : તા.11 જુલાઈના રોજ તબીબોએ તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પંકજ કુમારની પત્ની શ્રૂત કિર્તી, પિતા હરિકૃષ્ણ, ભાઈ સંજીવ અને રામ અવતાર, ભાભી જયરાધા તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. તેઓના પરિવારમાં તેમના પિતા હરિકૃષ્ણ, માતા પુષ્પા દેવી , પત્ની શ્રૂત કિર્તી , પુત્રી અદિત્રી છે. પુત્રી અદિત્રી ધોરણ 8 માં અભ્યાસ કરે છે.
બીજું અંગદાન : મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં ડુંભાલ રામબાગ પેલેસ ખાતે રહેતા 31 વર્ષીય ઉત્તમ દીનદયાલ ગુપ્તા કાપડ ટ્રેડિંગનો વ્યવસાય કરતા હતા. 9 જુલાઈના રોજ સાંજે 6 કલાકે પોતાના ઘરની અગાસીમાંથી અકસ્માતે નીચે પડી ગયા હતા. તેઓને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં નિદાન માટે CT સ્કેન કરતા નાના મગજમાં મલ્ટીપલ ફેકચર તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું. 12 જુલાઈના રોજ તબીબોએ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.
અંગદાન એજ મહાદાન : આમ બંને પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો હતો. SOTTO દ્વારા હૃદય અને ફેફસા અમદાવાદની K.D હોસ્પિટલને, બે લિવરમાંથી એક લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, બીજું લીવર સુરતની કિરણ હોસ્પિટલને અને બે કિડની અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પીટલને ફાળવવામાં આવી છે. હૃદય અને ફેફસાનું દાન અમદાવાદની K.D હોસ્પિટલના તબીબોની ટીમે, લિવર અને કિડનીનું દાન અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તબીબોની ટીમે સ્વીકાર્યું છે. જ્યારે બીજા લિવરનું અને ચક્ષુઓનું દાન કિરણ હોસ્પીટલએ સ્વીકાર્યું છે.
સૌ પ્રથમ કમબાઈન ટ્રાન્સપ્લાન્ટ : સુરતની INS હોસ્પિટલથી અમદાવાદનું 286 કિલોમીટરનું અંતર 110 મિનિટમાં હવાઈ માર્ગે કાપીને ગુજરાતમાં સૌ પ્રથમ વખત હૃદય અને ફેફસાનું કમ્બાઈન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. મહેસાણાના 60 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની K.D હોસ્પિટલમાં ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.