સુરત: વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બે ઈસમોએ કરીયાણાની દુકાનમાં ઘુસી તેલના બે ડબ્બાની લૂંટ ચલાવી હતી આ દરમ્યાન દુકાનદાર પર ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જો કે બીજા દિવસે તેલનો ડબ્બો પરત કરી પોલીસ ફરિયાદ કરી તો દુકાન સળગાવી દેવાની ધમકીઓ આપી હતી. આ ઘટનામાં વરાછા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચપ્પુની અણીએ તેલના ડબ્બાની લૂંટ: મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં વરાછા વિસ્તારમાં આવેલા ભગીરથ સોસાયટી ખાતે રહેતા 36 વર્ષીય કેવલરામ લાલરામ ચૌધરી ઘરની નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર કરીયાણાની દુકાન ચલાવે છે. ગત 15 મી ઓગષ્ટની સાંજે 8 વાગ્યે એક ઈસમ મોઢે રૂમાલ બાંધીને દુકાને આવ્યો હતો અને તેણે દુકાનનું શટર બંધ કરીને માલિક પાસે તેલના બે ડબ્બા માંગ્યા હતા. આ દરમ્યાન દુકાનની બહારથી એક ગ્રાહક અને દુકાન માલિકનો દીકરો અંદર આવતા દુકાન માલિકને ત્રણ વખત છરો મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેથી દુકાન માલિક કેવલરામ ગભરાઈ ગયા હતા અને તેલના ડબ્બા લેવા ગયા હતા આ દરમ્યાન ત્યાં બીજો ઈસમ પણ મોઢે રૂમાલ બાંધીને ઉભો નજરે ચડ્યો હતો.
'દુકાનદાર દોડીને નજીકના દવાખાનામાં ચાલ્યા ગયા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો. જો કે ત્યાં સુધીમાં આરોપીઓ 5250 રૂપિયાની કિમતના બે તેલના ડબ્બા લૂંટી ફરાર થઇ ગયા હતા, આ મામલે દુકાન માલિકને આરોપીઓ રાણા દેવા સાટીયા તથા રીકિત ઉર્ફે વિક્કી પ્રવીણભાઈ સાંગાણી હોવાનું માલુમ પડ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.' -એમ.જી.પટેલ, એસીપી
દુકાન સળગાવી દેવાની ધમકી: બીજા દિવસે બપોરે રાણા દેવાના બે સાગરીતોએ દુકાને ઘસી આવીને કેવલરામની પત્નીને પોલીસ ફરિયાદ કરશો તો પેટ્રોલ છાંટીને દુકાન સળગાવી દેશું તેવી ધમકીઓ આપી હતી અને તેલના ડબ્બા ત્યાં મુકીને ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં વરાછા પોલીસે રાણા દેવા સાટીયા તથા રીકિત ઉર્ફે વિક્કી પ્રવીણભાઈ સાંગાણીની ધરપકડ કરી છે.