બારડોલી: આજે ભાદરવા વદ બારસ એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગુજરાતી કેલેન્ડર મુજબની જન્મજયંતી. જેને આપણે રેંટિયા બારસ તરીકે ઉજવીએ છીંએ. આઝાદી મેળવવામાં ગાંધીજીના ચરખા (રેંટિયો)નો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે.
રેંટિયાને કારણે થયેલા રચનાત્મક કામો થકી લોકોને આઝાદીની લડતમાં જોડવામાં ગાંધીજીને મોટી સફળતા મળી હતી. આ રેંટિયો આજે ભૂલાય ગયો છે. કાપડ બનાવવા માટેની આધુનિક ટેકનોલોજી અને ઝડપી મશીનોને કારણે હાલ આ રેંટિયો માત્ર ગાંધીજીના આશ્રમ પૂરતો જ મર્યાદિત રહી ગયો છે.
હાલ કોરોના મહામારીને કારણે પ્રવર્તતી વૈશ્વિક મંદી અને નિરાશાના માહોલમાં આ રેંટિયો કેટલો ઉપયોગી નીવડી શકે તેની વાતો કરતા બારડોલી સ્વરાજ આશ્રમના માનદ મંત્રી અને સ્વાતંત્ર્યસેનાની નિરંજનાબેન કલાર્થી સમજાવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, બધા પોતાનો જન્મદિવસ પોતાના માટે ઊજવતાં હોય છે, પરંતુ બાપુએ પોતાના જન્મદિવસ એટલે કે ભાદરવા વદ બારસને રેંટિયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. તેમનો મુખ્ય ઉદ્દેશ દરેક હાથોને કામ આપવાનો હતો. રેંટિયાથી રૂની પૂણી વણવાથી કાંતણ, વણાટકામ સુધીની પ્રવૃતિમાં અનેક લોકોને રોજગારી મળી રહે છે. જેને કારણે ગ્રામોદ્યોગ અને ગૃહઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે છે. દરેક હાથોને કામ મળવાથી બેકરી નિવારણ અને શોષણમાંથી મુક્તિ મળી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે , હાલ અર્થતંત્રની પરિસ્થિતી ખૂબ જ નબળી થઈ ગઈ છે. અર્થતંત્રને બેઠું કરવા માટે મૂડીનું વિકેન્દ્રીકરણ કરવું જરૂરી છે તો જ અર્થતંત્રમાં સુધારો જણાશે.
નિંરજનાબેન કોરોના મહામારીને કારણે ચારેકોર ફેલાયેલી નિરાશા, હતાશાને દૂર કરવા માટે રેંટિયાને મહત્વપૂર્ણ માને છે. રેંટિયાને કારણે ઘરમાં બેસીને કામ મળવાની સાથે સાથે રોજગારીનો સ્ત્રોત પણ મળી શકે એમ છે. જે રીતે નવા નવા સ્ટાર્ટઅપ આવી રહ્યા છે, તે રીતે રેંટિયાને પણ સ્ટાર્ટઅપ તરીકે જોઈ ગાંધીજીની માફક દરેક ઘરમાં કાંતણ શરૂ કરાય તો ફરી એક વખત ગ્રામીણ અર્થ વ્યવસ્થાને ગતિ મળી શકે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બારડોલીમાંથી મળેલા રેંટિયાને બાપુએ ‘બારડોલી ચક્ર’ નામ આપ્યું હતું.આઝાદીની લડત વખતે બારડોલીએ મુખ્યકેન્દ્ર રહ્યું હતું. અહીંના લોકોને લડતમાં જોડવા માટે ગાંધીજીએ રચનાત્મક કર્યો પર જોર આપ્યું હતું. જેમાં રેંટિયોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. દાંડીકૂચ શરૂ કરતાં પહેલા ગાંધીજી સ્વરાજ ન મળે ત્યાં સુધી સાબરમતી આશ્રમમાં પગ ન મૂકવાની કસમ ખાધી હતી. આથી સરદાર પટેલે બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે તેમને આવવાનું આમંત્રણ આપતા ગાંધીજી 10 ડિસેમ્બર 1930થી 10 જાન્યુઆરી 1931 સુધી બારડોલીના આશ્રમમાં રોકાયા હતા. જ્યાં તેમણે ખાદી પ્રવૃતીને વેગ આપવા માટે બારડોલીની આજુબાજુના ગામોમાંથી અલગ-અલગ સાધનો લોકો પાસે મંગાવ્યા હતા. જેમાં એક મોટો ચક્ર વાળો રેંટિયાએ ગાંધીજીનું ધ્યાન ખેંચ્યું હતું. આ રેંટિયો બારડોલીથી મળી આવ્યો હોય તેને તે સમયે બાપુએ ‘બારડોલી ચક્ર’ એવું નામ આપ્યું હતું. આ રેંટિયો આજે પણ બારડોલીના સ્વરાજ આશ્રમમાં છે.