સુરત : ટેક્સટાઇલ માર્કેટમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા. તેની સાથે જ કોમી એકતાનું પ્રતીક પણ જોવા મળ્યું હતું. આ યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાયા અને લોકોમાં દેશભક્તિનો પ્રેમ દેખાઈ રહ્યો હતો.
ભવ્ય તિરંગા યાત્રા : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, વડાપ્રધાન દ્વારા આખા દેશ અને ગુજરાતમાં પણ ભવ્ય તિરંગા યાત્રા સાથે હર ઘર તિરંગા લગાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે. આખા દેશે તેમના આ આહ્વાનને ઝીલી લીધું છે. તેમાં ગુજરાત અને સુરત પણ પાછળ નથી.
લોકોમાં દેશભક્તિ : સુરતમાં સવારથી જ અલગ અલગ ઝોન અને વોર્ડમાં ખૂબ જ મોટી તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. ગઈકાલે પણ કાઢવામાં આવી હતી. અને આવતીકાલે પણ તિરંગા યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે. લોકોમાં દેશભક્તિનો પ્રેમ દેખાઈ રહ્યો છે.
તો આવો આપણે સંકલ્પ કરીએ છીએ કે આ સ્વતંત્રતાને નેવે જવા દઈએ નહીં. શહીદોની કલ્પના મુજબ સ્વતંત્ર ભારત હિન્દુ વિકાસના પંથે લઇ જવા માટે આપણા સૌનો યોગદાન અને સંકલ્પ કરીએ છીએ. હું આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. તેઓએ જે ચેતના આ તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા દ્વારા આપી છે. તેના દ્વારા દેશના યુવાનોમાં ખૂબ મોટી જાગૃકતા ફેલાઈ છે.-- સી.આર.પાટીલ ( ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ)
મશાલ રેલી : સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, આજે ચૌદમી ઓગસ્ટના રોજ આપણા દેશના ત્રણ ટુકડા કરવામાં આવ્યા હતા. આ વિભાજનના કારણે લગભગ 20 લાખ લોકોનું મૃત્યુ થયું હતું. આજે આપણે એ લોકોને પણ યાદ કરીએ છીએ. એટલા માટે જ આપણે તિરંગા યાત્રા પછી રાત્રે મશાલ રેલી અને મૌન રેલીનું આયોજન કરીએ છીએ. કારણ કે, આ વિભાજનના કારણે ખૂબ જ મોટી જાનહાની થઈ હતી.
નાગરિકોને અપીલ : દેશને સ્વતંત્રતા અપાવવામાં કેટલાય લોકોએ પોતાની જવાની જેલમાં કાઢી હતી. તેઓએ અંગ્રેજોના જુલમ સહન કર્યા છે. આ તિરંગા યાત્રા દ્વારા તેવા શહીદો અને તેમના પરિવારોને આપણે યાદ કરી રહ્યા છીએ. સ્વતંત્ર ભારત હિન્દુ વિકાસના પંથે લઇ જવા માટે આપણા સૌનો યોગદાન અને સંકલ્પ કરીએ છીએ.