સુરત : લાલુ રાઠોડ ભાદા ગામની તાપી નદીમાં માછીમારી દરમિયાન ખેંચ આવતા તે નદીમાં ડૂબી ગયો હતો. ડૂબી ગયેલા લાલુ રાઠોડની કામરેજ ફાયર ટીમ દ્વારા શોધખોળ ચાલુ કરી દેવામાં આવી હતી. તે દરમિયાન તેનો મૃતદેહ નદીમાંથી ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો.
માછીમારી દરમિયાન યુવક ડૂબ્યો : આ બાબતે અમારી ટીમને કોલ મળતાં જ અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાંબી શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી. આગળની તપાસ કામરેજ પોલીસ કરી રહી છે. - ફાયર વિભાગના અધિકારી, પ્રવીણ પટેલ
પોલિસ તપાસ હાથ ધરવામાં આવી : અન્ય બનાવની વાત કરવામાં આવે તો, સુરતના સાયણ ગામ પાસેથી પસાર થતી નહેરમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ સાયણ પોલીસને કરવામાં આવી હતી. સાયણ પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર કાકરાપાર કાંઠા નહેરના જમણા ઉપરવાસના પાણીમાં આ વ્યક્તિ કોઈ કારણોસર પડી ગયો હશે. નહેરના પાણીના વહેણમાં તણાઈને ડૂબી જતાં વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.