- સુરતમાં રૂપિયાની લેવડ દેવડમાં મિત્રએ કરી મિત્રની હત્યા
- પોલીસે CCTV ફૂટેજની તપાસ કરતા સમ્રગ મામલો બહાર આવ્યો
- પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
સુરત : અમરોલી સાયણ રોડ પર ગત 12 ડિસેમ્બરના રોજ એક યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઝડપાયેલો આરોપી મૃતકનો મિત્ર હતો. તેણે મૃતકને 1 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. જોકે, તે રૂપિયા પરત ન આપતા તેની હત્યા કરી દીધી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લોકડાઉનમાં તેની પાસેથી 1 હજાર રૂપિયા ઉછીના લીધા
સુરતના અમરોલી સાયણ રોડ પર આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝ નજીકથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ ઘટનામાં તપાસ કરતા હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ત્યાં લાગેલા CCTV ફૂટેજ તેમજ આસપાસ આવેલા કારખાનાઓમાં તપાસ કરી હતી. આખરે અંજની ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં કામ કરતા અને ત્યાં જ રહેતા 28 વર્ષીય કુન્નાકુમાર મહેશકુમાર પરીડાની ધરપકડ કરી હતી. પોલીસે તેની કડક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, મૃતકનું નામ કલ્પનાથ યાદવ છે. તેણે લોકડાઉનમાં તેની પાસેથી 1 હજાર રૂપિયા ઉછીના લીધા હતા.
કુન્નુકુમારે ઉશ્કેરાઈને હત્યા કરી હોવાની કબૂલાત કરી
જે પૈસાની અવાર નવાર માંગણી કરતા છતાં કલ્પનાથ આપતો ન હતો. બનાવના દિવસે પણ પૈસાની માંગણી કરતા કલ્પનાથે જે થાય તે કરી લેવાની ધમકી આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં કુન્નુકુમારે ઉશ્કેરાઈને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ આ મામલે પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.