સમગ્ર દેશમાં હચમચાવી દેનાર સુરત તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને ત્રણ માસ જેટલો સમય વીતી ચૂક્યો છે. આ ઘટનામાં તંત્રના જવાબદાર અધિકારીઓ અને બિલ્ડરના પાપે 22 માસૂમ વિદ્યાર્થીઓના જીવ હોમાઈ ચૂક્યા છે. છતાં હજી પણ તંત્રના કેટલાક જવાબદાર અધિકારીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે. ત્યારે તંત્રના જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે મૃતક વિદ્યાર્થીઓના વાલીઓ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા.
મૃતક વાલીઓના આરોપ છે કે, આ ઘટનામાં સુરત મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ.થેનારાશન , ડેપ્યુટી કમિશનર, સુરત ચીફ ફાયર ઓફિસર બંસત પરીખ તેમજ ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ પણ જવાબદાર છે. જેથી તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
વધુમાં મૃતક વાલીઓના વિદ્યાર્થીએ જણાવ્યું કે, પુરાવા સાથે પોલીસ કમિશનર કચેરી રજૂઆત કરવા માટે આવ્યા છે. RTI મુજબ વરાછા અને સરથાણા વિસ્તારમાં જે પ્રમાણે ભરચક વસ્તી છે. તેની સામે તક્ષશિલાની ઘટના દરમિયાન ફાયરના ત્રણ જેટલા જ વાહનો સ્થળ પર પહોંચ્યા હતા. એટલું જ નહીં પરંતુ ફાયરના સાધનોની પણ અછત જોવા મળી હતી. ઘટના બાદ હાલ ફાયર સ્ટેશન પર 100 જેટલા વાહનો છે. જે RTIમાં બહાર આવ્યું છે. આ સાથે જ તક્ષશિલાની ઘટના માટે તમામ ઉચ્ચ અધિકારીઓની પણ જવાબદારી બને છે. તેને લઇ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.