સુરતઃ હવે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ રામમય થઈ રહ્યો છે. કલાકારો પોતાની કલામાં પ્રભુ શ્રી રામ, રામ મંદિર અને રામાયણ વિષયક કલાકૃતિઓ તૈયાર કરી રહ્યા છે. આ શ્રેણીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઈન્ટિરિયર ડિઝાઈનિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. આ વિદ્યાર્થીઓ દ્વારા રામાયણના એક પ્રસંગને દર્શાવતી કલાકૃતિ મ્યૂરલ આર્ટમાં તૈયાર કરાઈ છે. આ કલાકૃતિમાં પ્રભુ શ્રી રામ, લક્ષ્મણજી અને સીતામાતા અયોધ્યા પરત ફરે છે તે પ્રસંગ દર્શાવાયો છે.
વિવિધ પથ્થરોનો ઉપયોગઃ મ્યૂરલ આર્ટમાં રામાયણ આધારિત આ કલાકૃતિને તૈયાર કરવામાં ખાસ નાના નાના અને રંગબેરંગી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મંડાના, જેસલમેરના પથ્થરો ઉપરાંત આરસપહાણના નાના પથ્થરોનો સમાવેશ થાય છે. આ પથ્થરોને એકએક કરીને આ કલાકૃતિ પર વિદ્યાર્થીઓએ ચોંટાડ્યા છે. તેમણે ખાસ જગ્યાએ ખાસ પથ્થરો લગાવીને આખી કલાકૃતિને એક અલગ જ ઓળખ આપી છે. આ કલાકૃતિમાં પ્રભુના વસ્ત્રોને હેન્ડમેડ પેપર અને જ્યૂટ(સુતળી)માંથી તૈયાર કરવામાં આવ્યા છે. પ્રભુ શ્રી રામના આભામંડળને દર્શાવવા માટે સ્કલ્પચર ક્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ કેટલીક જગ્યાએ લાકડાના વહેરનો પણ ઉપયોગ કરીને આ કલાકૃતિની સુંદરતામાં વધારો કરવામાં આવ્યો છે. વિવિધ વસ્તુઓના ઉપયોગથી આ કલાકૃતિ મ્યૂરલ આર્ટમાં તૈયાર કરવામાં આવી છે.
અમે રામ પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે આ કલાકૃતિ તૈયાર કરી છે. અમારી બેચમાં 40 વિદ્યાર્થીઓ છે. અમે સૌ કોઈને જેમાં નિપૂણતા હોય તેવા કામ સોંપીને આ કલાકૃતિ તૈયાર કરી છે. અમે આ કલાકૃતિમાં પ્રભુ રામ, લક્ષ્મણ અને સીતાજી વનવાસથી અયોધ્યા પરત ફરે તે પ્રસંગ દર્શાવ્યો છે... પ્રીતમ મહારાણા(વિદ્યાર્થી, ઈન્ટિરીયર ડિઝાઈનિંગ ડિપાર્ટમેન્ટ, VNSGU, સુરત)
અમારા ડિપાર્ટમેન્ટમાં મટિરિયલ પર ભાર આપવામાં આવે છે. તે સંદર્ભે અમે સુરતમાં જે મટિરિયલ અવાઈલેબલ છે તેનો ઉપયોગ કરીને આ કલાકૃતિ તૈયાર કરી છે. અમે નાના નાના પથ્થરો એક્ઠા કર્યા અને લાકડામાં જે કટિંગ કરવું પડ્યું તે વિદ્યાર્થીઓએ જાતે જ કર્યુ છે. અમે આને પેટર્ન પણ કરાવવાના છીએ. પીએમઓમાં જાણ પણ કરીશું અને આ કલાકૃતિને અયોધ્યા પણ મોકલીશું ...મેહુલ પટેલ(કો-ઓર્ડિનેટર, ઈન્ટિરીયર ડિઝાઈનિંગ ડિપાર્ટમેન્ટ, VNSGU, સુરત)
થ્રીડી ઈફેક્ટએ આ મ્યૂરલ કલાકૃતિની ખાસિયત છે. આ કલાકૃતિમાં પ્રભુની મુખાકૃતિને એમ્બોર્સ કરવા અમે ટીશ્યૂ અને સૂતળીનો ઉપયોગ કર્યો છે. જેનાથી તેમાં ડેપ્થ જોવા મળી રહી છે...રચના પટેલ(આસિ.પ્રોફેસર, ઈન્ટિરીયર ડિઝાઈનિંગ ડિપાર્ટમેન્ટ, VNSGU, સુરત)