સુરત: 'શોધ' યોજના હેઠળ રિસર્ચ ફેલોશિપ પ્રાપ્ત કરવામાં વીર નર્મદ દ. ગુ. યુનિવર્સિટી મોખરે છે. આ વર્ષે વીર નર્મદ દ. ગુ. યુનિવર્સિટી (VNSGU)ના સૌથી વધારે 93 વિદ્યાર્થીઓની પસંદગી આ યોજના અંતર્ગત થઈ છે. 93 વિદ્યાર્થીઓને 2 વર્ષમાં રુપિયા 3.72 કરોડની સહાય મળશે.
93 વિદ્યાર્થીઓની પસંદગીઃ આ રિસર્ચ ફેલોશિપ મેળવવામાં VNSGUના વિદ્યાર્થીઓ સમગ્ર રાજ્યમાં સતત બીજા વર્ષે મોખરે રહ્યા છે. રાજ્યની 45 યુનિવર્સિટીના કુલ 870 વિદ્યાર્થીઓમાંથી VNSGUના સૌથી વધુ 93 વિદ્યાર્થીઓ ફેલોશિપ માટે પસંદગી પામ્યા છે. આ 93 વિદ્યાર્થીઓમાં છોકરીઓનો દબદબો જોવા મળ્યો છે. કુલ 70 વિદ્યાર્થીનીઓ અને 23 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગત વર્ષે પણ રાજ્યમાં સૌથી વધુ 104 વિદ્યાર્થીઓ VNSGUના જ પસંદગી પામ્યા હતા.
Ph.D. કરનારા આ વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી દર મહિને 15000 સ્ટાઈપેન્ડ અને અન્ય ખર્ચ માટે વાર્ષિક 20000 રૂપિયા ચૂકવવામાં આવશે. આમ, 2 વર્ષમાં 93 વિદ્યાર્થીઓને કુલ 3.72 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સહાય વિદ્યાર્થીઓની કારકિર્દી માટે ખૂબ જ લાભદાયી નિવડશે. રાજ્ય સરકારની આ યોજનાથી Ph.D. કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. VNSGUના 93 વિદ્યાર્થીઓ ગુજરાતી, અંગ્રેજી, ઈતિહાસ જેવા વિવિધ 16 વિષય ઉપર ફેલોશિપ કરશે...કિશોર સિંહ ચાવડા(વાઈસ ચાન્સેલર, વીર નર્મદ દ.ગુ. યુનિવર્સિટી)
બાયોસાયન્સના સૌથી વધુ 22 વિદ્યાર્થીઓઃ અલગ અલગ 16 વિષયોના પૈકી બાયોસાયન્સમાં 22, કેમેસ્ટ્રીમાં 19, કોમર્સના 16, ફિઝિક્સમાં 9, અંગ્રેજી અને ઈતિહાસમાં 4 અને ગુજરાતીમાં 3 વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. આ ઉપરાંત મેનેજમેન્ટ, સોશિયોલોજી અને પબ્લિક એડમિનિસ્ટ્રેટિવમાં એક-એક વિદ્યાર્થી પસંદગી પામ્યા છે.