સુરત : શહેરમાં ઓવર સ્પીડ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ હવે સુરત ટ્રાફિક પોલીસ લેઝર સ્પીડ ગનની મદદથી દંડાત્મક કાર્યવાહી કરશે. નિર્ધારિત સ્પીડમાં જો વાહન ચાલકો વાહન નહીં ચલાવશે તો આ લેઝર સ્પીડ ગનની મદદથી પોલીસે તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરશે. સુરત પોલીસને રાજ્ય સરકાર દ્વારા 30 લેઝર ગન ફાળવવામાં આવ્યા છે.
શહેરમાં વાહનોની સંખ્યા કેટલી : ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં સુરત શહેરની વસ્તી 64 લાખ અને વાહનોની સંખ્યા 30.74 લાખ હતી. જ્યારે હાલ સુરત શહેરમાં 80 લાખની વસ્તી છે. અને તેની સામે 38 લાખ વાહનોની સંખ્યા છે. આ સાથે જીવ લઈને અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેના કારણે કોઈ ઓવર સ્પીડ વાહન ન ચલાવે આ માટે ટ્રાફિક પોલીસ પણ સજ્જ થઈ છે.
આ પણ વાંચો : Science Tech: સ્માર્ટ મટીરીયલના હાર્ટ બ્લોકેજ-વાહન ડેમેજની સમસ્યા ઉકેલાશે, એક તીર ત્રણ ટાર્ગેટ પર કરશે કામ
નબીરાઓ સ્ટંટ કરતા જોવા મળે છે : સુરતના અનેક વિસ્તારોમાં હવે લેઝર સ્પીડ ગન મારફતે વાહનોની ગતિ મર્યાદા પર નજર રાખવામાં આવશે. આ સ્પીડ મર્યાદા જે પણ વાહન ચાલક જાળવી રાખશે નહીં તેને ઈ ચલણ થકી દંડ પણ ભરવો પડશે. સુરત શહેરના કેટલાક વિસ્તારમાં રસ્તા પરવાનો લઈને નબીરાઓ સ્ટંટ કરતા પણ જોવા મળે છે. ખાસ કરીને વીકેન્ડના દિવસે રસ્તા પર બેફામ સ્ટંટ કરતા વાહનોના પણ વિડિયો અવારનવાર સામે આવતા હોય છે. આ સિવાય ફોરવીલ રસ્તા પર ઓવર સ્પીડમાં દોડતી હોવાના કારણે અકસ્માતનો ભય સર્જાય છે. આવા પોઇન્ટ પર પણ આ લેઝર સ્પીડ ગન સાથે ટ્રાફિક વિભાગના જવાનો તૈનાત રહેશે.
આ પણ વાંચો : ઓવર સ્પીડ પર લગામ લગાવવા શું કરશે ટ્રાફિક પોલીસનો પ્લાન?
ઓવર સ્પીડ જનાર વાહન ચાલકો પર નજર : આ અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, અગાઉ સુરત પોલીસ પાસે એક લેઝર સ્પીડ ગન હતી. હાલ એ સંખ્યા વધીને 30 થઈ ગઈ છે. જેના થકી સુરતના કેટલાક વિસ્તારમાં ઓવર સ્પીડ જનાર વાહન ચાલકો પર નજર રાખવામાં આવશે. તેમની પર દંડાત્મક કાર્યવાહી કરાશે. લેઝર સ્પીડ ગન થકી રસ્તા પર વાહનોની ગતિ મર્યાદા જાળવી રાખવા માટે મદદ મળશે.