સુરત : પાંડેસરા વિસ્તારમાં 36 વર્ષીય યુવકે દીકરીના બર્થ ડેની ઉજવણી બાદ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલ મહાદેવનગરમાં રહેતો 36 વર્ષીય નંદલાલ બિંદ ઇંદ્રષ્ટ્રિમાં પ્રિન્ટ મશીનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગતરાત્રે પોતાની ત્રણ વર્ષની દીકરીનો જન્મદિવસની ઉજવણી કરીને તેમની પત્ની સરલાદેવી સાથે કોઈ વાતે ઝઘડો થતા તેને માર મારી પોતે રૂમનો દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાઈ લીધો હતો.
આધેડે કરી આત્મહત્યા : આત્મહત્યાના બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પતિના મોતને લઈ સરલાદેવી શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. ત્યારે ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ દોડી આવી હતી. પોલીસે નંદલાલની બોડીનો કબજો મેળવી નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે ઘટનામાં બે દીકરા અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે દીકરીના બર્થ ડેની તસવીરો અંતિમ યાદ બની છે.
દીકરીનો જન્મદિવસ : આ બાબતે મૃતક નંદલાલના સાળા નીરજે જણાવ્યું કે, ગઈકાલે મારી ભાન્જીનો જન્મદિવસ હતો. ત્યારે અમે બધા રાતે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરીને જમવા માટે બેઠા હતા. ત્યારે જ નીચે કંઈક તૂટ્યું હોય તેવો અવાજ આવ્યો હતો. અમે તાત્કાલિક નીચે ગયા તો જોયું તો સમાન વગેરે આમ તેમ ફેંકવામાં આવ્યો હતો. અમે જીજુને બૂમો પાડી તો તેઓ દરવાજો બંધ કરીને રૂમમાં બેઠા હતા. અમે તેઓને બોલાવ્યા પરંતુ તેઓ આવ્યા નહીં. અમે વિચાર્યું કે જવા દો થોડી વારમાં બહાર આવી જશે. પરંતુ તેઓ બહાર આવ્યા નહીં. તેથી બહેને કહ્યું કે, તેઓ આ રીતે ક્યારેય કરતા નથી. ત્યારે અમે લોકો પોતે ફરી નીચે ગયા. દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ ન આવતા અમે દરવાજો તોડીને અંદર ગયા તો જીજુ પંખા સાથે લટકી ગયા હતા.
આત્મહત્યાનું કારણ ઝગડો ? નીરજે વધુમાં જણાવ્યું કે, આ જોઈ અમે બધા પણ ગભરાઈ ગયા હતા. જીજુને નીચે ઉતારી નજીકના ડોક્ટરને બોલાવ્યા હતા. તેઓ આવ્યા અને કહ્યું કે, જીજુનું મોત થઇ ગયું છે, તમારે પોલીસને જાણ કરવી પડશે. એટલે અમે પોલીસને જાણ કરતા પોલીસની પીસીઆર વાન દોડી આવી હતી. બીજું કે, દીકરીનો જન્મદિવસ હતો એટલે જીજુએ દારૂ પણ પીધો હતો. આ દારૂના નશાના કારણે જ બહેન સાથે ઝઘડો થયો અને ત્યારબાદ આ પગલું ભરી દીધું હતું.