સુરત: 27 ફેબ્રુઆરી 2023ના રોજ સચીન વિસ્તારમાં બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી માસુમની હત્યા કરનાર નરાધમને સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફરમાવી છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં આરોપી ઇસ્માઇલ યુસુફ ઇન્ટરનેટ પર અશ્લીલ વીડિયો જોઈ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં બાળકીની હત્યા કઈ રીતે કરવી તે અંગેનો પણ વીડિયો આરોપીના મોબાઇલમાંથી પોલીસને મળી આવ્યો હતો.
" જે વ્યક્તિને બે વર્ષની માસુમ બાળકી ઉપર ગયા ન આવે તેની ઉપર દયા કરવી યોગ્ય નથી. પરિવારના સભ્યોએ પણ જણાવ્યું નથી કે તેની કમાણીથી ઘર ચાલે છે અને આ વ્યક્તિએ બાળકી સાથે હેવાનિયત કરી છે. જેથી આ કેસ રેરેસ્ટ ઓફ ધી રેર શ્રેણીમાં આવે છે. બાળકીના પરિવારને 10 લાખ રૂપિયાનો વળતર ચૂકવવા માટે પણ કોર્ટે આદેશ કર્યા છે." - નયન સુખડવાલા, સરકારી વકીલ
રેરેસ્ટ ઓફ ધી રેર કેસ: બાળકીના પેટ અને અન્ય શરીરના ભાગે તેને બચકા ભર્યા હતા. આ કૃત્ય અંગે તેને ફાંસીની સજા થાય એ માટે સરકારી વકીલ તરફથી દલીલો કરવામાં આવી હતી અને દલીલોને ગ્રાહ્ય રાખી આ કેસને કોર્ટે રેરેસ્ટ ઓફ ધી રેર ગણી માસુમના બળાત્કારીને ફાંસીની સજા ફરમાવી છે.
બાળકીના શરીર પર અનેક ઈજા: પાંચ મહિના પહેલા 27 ફેબ્રુઆરી 2023 ના રોજ સુરત શહેરના સચિન વિસ્તાર ખાતે રહેતા એક શ્રમિક પરિવારની બે વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી. શ્રમિક પરિવારના પાડોશમાં રહેતા યુવક ઈસ્માઈલ યુસુફ તેને પોતાની સાથે લઈ ગયો હતો. પરંતુ બંનેની કોઈ ખબર ન પડતા પરિવાર પોલીસમાં અંગેની જાણ કરી હતી. પોલીસે જ્યારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી ત્યારે આરોપી યુસુફે પાડોશીના ઘર નજીક ઝાડી ઝાંખરામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીએ બાળકીના પેટમાં બચકા ભરી લીધા હતા. એટલું જ નહીં બાળકીના શરીર પર અનેક ઈજાના નિશાન મળી આવ્યા હતા.
પાડોશીએ કર્યું કૃત્ય: સુરત શહેરના સચિન વિસ્તાર ખાતે આવેલા કપલેઠા ગામમાં રહેતી દીકરીને તેના પાડોશમાં રહેતા 23 વર્ષીય યુસુફ અવારનવાર રમવા માટે લઈ જતો હતો. 27 ફેબ્રુઆરીના રોજ પણ બાળકીને તે રમવા માટે લઈ ગયો હતો પરંતુ બાળકી ફરી ઘરે આવી નહોતી. જેના કારણે પરિવારે બાળકીની શોધખોળમાં લાગી ગયો હતો. યુસુફ પાડોશમાં રહેતો હતો. આ જ કારણ છે કે તે વિશ્વાસુ હતો અને કોઈને જાણ પણ નહોતી કે તે આવી રીતે કૃત્ય કરી શકે છે. આરોપી ઈંટની ભઠ્ઠમાં મજૂરી કામ કરતો હતો.
11 દિવસમાં જ ચાર્જશીટ: પોલીસની ટીમને આસપાસના વિસ્તારમાં બાળકી અને પાડોશી યુસુફની શોધ ખોળ કરી હતી. ત્યારે કપલેઠા ગામ નજીકથી ઝાડી ઝાંખરામાં બાળકીની લાશ મળી આવી હતી. શરીર પર અનેક બીજાના નિશાન પણ મળી આવ્યા હતા પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી. પોલીસે તપાસમાં આરોપી યુસુફના મોબાઇલમાંથી અનેક અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા. ડીએનએ અને સાયન્ટિફિક પુરાવાના આધારે આરોપી સામે 11 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેનો આજે પાંચ મહિના બાદ ચૂકાદો આવ્યો હતો.