બારડોલી : સતત ચાર દિવસથી બારડોલી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક ઠેકાણે પાણી ભરાઈ જવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. આખો દિવસ પણ વરસાદી ઝાપટા ચાલુ રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો બીજી તરફ સારા વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ નજરે પડી રહ્યા છે.
લોકોએ સ્વૈચ્છિક સ્થળાંતર કર્યું : ભારે વરસાદથી બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નદી કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારો જેવા કે, તલાવડી, માતા ફળિયું, કોર્ટની સામેની વસાહતમાં ગત સાંજથી પાણી ફરી વળતાં ત્યાં વસતા લોકોએ સ્વૈચ્છીક સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. લોકો પોતાની ઘરવખરી અને ઢોરઢાંખર લઈને સમયસર પોતપોતાના સગા સંબંધીઓને ત્યાં જતાં રહ્યા હતા, જો કે બારડોલી નગરપાલિકાની ટીમ પણ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. પાણી વધતાં હોય લોકોને સલામત સ્થળે ખસી જવા માટે ચેતવણી આપવામાં આવી રહી છે.
સુરત જિલ્લામાં બીજા દિવસે 23 માર્ગો બંધ રહ્યા : બારડોલી તાલુકામાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. આજે બીજા દિવસે બારડોલી તાલુકાના ગામડાના 14 જેટલા આંતરિક માર્ગો બંધ કરવા પડ્યા હતા. મહુવા તાલુકામાં 2, પલસાણામાં પાંચ અને ચોર્યાસીમાં એક એમ સુરત જિલ્લામાં કુલ મળીને 23 રસ્તા ભારે વરસાદને કારણે બંધ રહેતા વાહનવ્યવહાર ખોરવાયો હતો.
એક કાચું મકાન અને શાળાની કંપાઉન્ડ વોલ પડી : આ ઉપરાંત અનેક જગ્યાએ વરસાદને કારણે નુકસાનના પણ અહેવાલ સાંપડી રહ્યા છે. બારડોલી તાલુકાના પલસોદ ગામે ચંપકભાઈ નાથુભાઈ હળપતિનું કાચું મકાન વરસાદને કારણે તૂટી પડ્યું હતું. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. તલાટી કમ મંત્રી અને સરપંચે પંચનામું કરી તાલુકામાં રિપોર્ટ કર્યો હતો. આ ઉપરાંત છીત્રા ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ હતી. જો કે શાળા શરૂ થાય તે પહેલા જ દીવાલ તૂટી હોય મોટી જાનહાનિ ટળી હતી.
મહુવાની બોરિયા પ્રાથમિક શાળામાં પાણી ઘુસ્યા : મહુવા તાલુકાના બોરીયા ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાઇ જવાથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે શાળાના વર્ગખંડ સુધી પાણી ઘૂસી જતાં વિદ્યાર્થી તેમજ શિક્ષકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. શાળા પરિસરમાં ઘૂંટણસમા પાણી ભરાય ગયા હતા.