સુરત: સૂરતમાં ગણતરીના કલાકમાં સાડા ચાર ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. સુરત શહેર અને જિલ્લામાં મોસમનો 43 ટકા વરસાદ પડી ગયો છે જ્યારે આજે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જેના કારણે ભારે વરસાદ રહેવાની શક્યતા છે.
ડેમની સપાટીમાં વધારો: બીજી બાજુ ઉકાઈ ડેમની ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાતા હથનુરનું ડેમના તમામ 41 દરવાજા ખોલીને 1.56 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે. બે દિવસમાં આ પાણી ઉકાઈ ડેમમાં ઢલવાશે જેના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં ત્રણ ફૂટનો વધારો નોંધાશે. હવામાન વિભાગની આગાહી બાદ સતત બે દિવસથી સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે.
અનેક વિસ્તારો જળબંબાકાર: સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલા મોરા ગામ, ભાટા, ડીંડોલી, ખરવાસા સહિતના કાંઠાના અને ગામોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જિલ્લામાં સૌથી વધુ વરસાદ 4.40 ઇંચ ચોર્યાસી તાલુકામાં નોંધાયો છે. બીજી બાજુ સુરત શહેરના પુના ગામ કાપોદ્રા લિંબાયત વિસ્તારમાં પાણી ભરાઈ જતા પાલિકાના કર્મચારીઓ દોડતા થયા હતા.
1.56 લાખ ક્યુસેક પાણી છોડાયું: ઉકાઈ ડેમની ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાતા હથનુર ડેમના 41 દરવાજા પૂરેપૂરા ખોલીને 1.56 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે. જે આગામી 24 થી 48 કલાકમાં ઉકાઈ ડેમમાં ઠલવાશે. જેને પગલે હાલ ઉકાઈ ડેમની સપાટી 314.78 ફૂટ છે. અંદાજે ત્રણ ફૂટનો વધારો થશે. મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં પણ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા પાછલા 24 કલાકમાં હથનુર ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ઘણા રૈનગેજ વિસ્તારમાં ચારથી છ ઇંચ વરસાદને પગલે ઉગાઈ ડેમમાં નવા પાણીનો સતત ઉમેરો થઈ રહ્યો છે.
ઉકાઈ ડેમની સપાટીમાં ત્રણ ફૂટનો વધારો: હથનુર ડેમની ભયજનક સપાટી 213 મીટર છે અને હાલ ડેમની સપાટી 209.92 નો મીટર નોંધાઈ હોવાથી હવે ઉપરવાસના વરસાદનું મહત્તમ પાણી ઉકાઈ ડેમમાં ઢાલવામાં આવશે. હાલમાં હદનુરમાંથી છોડવામાં આવી રહેલું પાણી સરેરાશ 24 થી 48 કલાકમાં ઉકાઈ ડેમમાં આવતું હોવાથી આગામી બે દિવસમાં ઉકાઈ ડેમની સપાટીમાં ત્રણ ફૂટનો વધારો થવાની શક્યતા છે. ડેમની સપાટી હાલ 315.45 ફૂટ છે. ઈનફ્લો 65,835 ક્યુસેક છે. જ્યારે ભયજનક સપાટી 345 ફુટ છે અને રૂલ લેવલ 333 ફૂટ છે.