સુરતઃ શહેરના યુવાધનને બરબાદ કરવા સફેદ રંગનો ઝેરીલો પાવડર MD ડ્રગ્સનું વેચાણ સુરતમાં મોટા પાયે કરવામાં આવી રહ્યું હતું, પરંતુ જ્યારથી સુરતના પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે, ત્યારથી સુરત શહેરમાંથી ડ્રગ્સનો કારોબાર નેસ્ત નાબૂદ કરવાના હેતુસર હાર્ડ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. માત્ર 48 કલાકની અંદર સુરત ક્રાઈમ બ્રાન્ચે 4 અલગ-અલગ સ્થળો પરથી આ ખાસ ડ્રાઈવ દરમિયાન કરોડો રૂપિયાના ડ્રગ્સ અને ગાંજા જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી છે.
સુરતમાંથી ઝડપાયેલા ડ્રગ્સની વિગતો
કેસ 1
ડુમસ વિસ્તારમાંથી 1011.82 ગ્રામ MD ડ્રગ્સ સાથે સલમાન ઝવેરી નામના ઇસમની ધરપકડ કરી છે. સલમાન રાંદેરમાં રહે છે. કારમાંથી 1.01 કરોડ રૂપિયાનું MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. આરોપી સલમાન આગાઉ પણ ઘરફોડ ચોરીમાં ગુનામાં વર્ષ 2019માં ઝડપાઈ ચૂક્યો છે.
કેસ 2
બીજા કેસમાં સીમાડા વિસ્તારમાં સ્થિત સાયોના પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાન 107, 108માં રેડ કરતા 304.98 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત 30,49,800 છે. આ કેસમાં આરોપી સંકેત શૈલેષ અસલાલીયા ધરપકડ કરવામાં આવી છે. આરોપી સંકેત આરોપી સલમાનના સંપર્કમાં હતો અને કાપડનો વેપારી છે. તેની કાપડની દુકાનમાંથી MD ડ્રગ્સ મળી આવ્યું હતું.
કેસ 3
ત્રીજા કેસમાં વરાછા વિસ્તારમાં 17.5 ગ્રામ ડ્રગ્સ પોતાની ગાડીમાંથી પસાર થઈ રહેલા વિનય ઉષા બંટીની ધરપકડ કરી છે. વિનય પાસેથી જપ્ત કરાયેલા MD ડ્રગ્સની કિંમત 1.75 લાખ છે. વિનયે ક્રાઈમ બ્રાન્ચ પાસે કબૂલાત કરી છે કે, આ ડ્રગ છે તેને મુંબઈથી લાવ્યું હતું.
કેસ 4
ચોથા કેસમાં પુણાગામ વિસ્તારમાંથી પસાર થતી ટ્રકના ખાસ બનાવમાં આવેલા કેબીનમાંથી 564.510 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ કેસમાં 3 આરોપીઓ સામેલ છે. આ ગાંજો ઓડિશાથી લાવવામાં આવ્યો હતો. જેની કિંમત 56 લાખ છે. ચારેય કેસમાં કુલ રૂપિયા 1,89,88,100 માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યું છે. જ્યારે રૂપિયા 2,078,7370નો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, સુરતને ‘નો ડ્રગ્સ સિટી’ તરીકે વિકસાવવાનું છે. તેની ખાસ ઝૂંબેશ સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. ડ્રગ્સ કનેક્શન મુંબઈથી હોવાના કારણે હાલ મુંબઈમાં જે રીતે નાર્કોટિક્સ બ્યૂરોએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, તેને ધ્યાનમાં રાખી આ કેસોની જાણકારી NCBને આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ડ્રગ્સ કારોબારને લગતા 12 કેસ નોંધવામાં આવ્યા છે. હાલ આદિલ નામનો આરોપી વોન્ટેડ છે.