સુરતઃ દેશભરમાં આજે 71માં ગણતંત્ર દિવસની દબ દબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં પણ ગણતંત્રની ઉજવણીની ઝાકમઝોળ જોવા મળી હતી. સુરત શહેરમાં સામાજિક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો તેમજ રાજકીય આગેવાનો દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં. સુરત શહેર પોલીસ દ્વારા 71માં ગણતંત્ર દિવસ નિમિત્તે અઠવાલાઇન્સ પોલીસ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સુરત પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શહેરની પ્રાથમિક અને ખાનગી શાળાના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત અવનવા કરતબોની ઝાંખી રજુ કરવામાં આવી હતી. શહેર પોલીસ મથકમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનું પોલીસ કમિશ્નર દ્વારા ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ટીઆરબી, હોમગાર્ડ સહિત શહેર પોલીસના જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી. ગણતંત્ર દિવસના આ અવસર પર શહેર ટ્રાફિક પોલીસને રાજ્ય સરકાર દ્વારા 46 જેટલી બુલેટ અર્પણ કરવામાં આવી હતી. જેને પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ સહિતના અધિકારીઓએ લીલી ઝંડી આપી હતી. પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલા ધ્વજવંદનના આ કાર્યક્રમમાં રંગારંગ ઝાંખીઓ જોવા મળી હતી.